રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 મે 2021 (20:54 IST)

'મીનીમમ લોસ, ઝીરો કેઝયુલીટી'ના સંકલ્પ સાથે રાજ્ય સરકાર તાઉ'તે વાવાઝોડા સામે સંપૂર્ણ સજ્જ: NDRF ડેપ્યુટી કમાન્ડન્ટ

એન.ડી.આર.એફ.ના ડેપ્યુટી કમાન્ડન્ટ રણવિજયકુમાર સિંહે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, 'મીનીમમ લોસ, ઝીરો કેઝયુલીટી'ના સંકલ્પ સાથે રાજ્ય સરકાર તાઉ'તે વાવાઝોડા સામે સંપૂર્ણ સજ્જતા સાથે કામ કરી રહ્યું છે. એન.ડી.આર.એફ.ની ૪૪ ટીમો રાજ્યના દરિયાકાંઠા વિસ્તારના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં તૈનાત થઈ ગઈ છે. તે ઉપરાંત બે ટીમો સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે. 
 
રણવિજયકુમાર સિંહે વધુમાં જણાવ્યું કે, વાવાઝોડાના લેન્ડફોલ લોકેશનનો અંદાજ આવી ગયો હોવાથી ગુજરાતના તે સંભવિત વિસ્તાર મહુવા આસપાસ અમારી વધુ ટીમો ડિપ્લોય કરી દેવામાં આવી છે. એન.ડી.આર.એફ.ની ટીમો દ્વારા એસ.ડી.આર.એફ અને સ્થાનિક પોલીસની સાથે મળીને દરિયા કાંઠા વિસ્તારના રહીશોનું સ્થળાંતર મહદઅંશે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે સ્થળાંતર કરવાની કામગીરી દરમ્યાન કોવિડ પ્રોટોકોલનું પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
 
રણવિજયકુમાર સિંહે ઉમેર્યું કે, રાજ્ય સરકારે માનવજીવહાનિ જ નહિ પરંતુ ક્યાંય પશુજીવહાનિ ન થાય તેની પણ સતત ચિંતા કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પશુઓનું સ્થળાંતર કરવા માટે પણ ત્રણ દિવસ પહેલાથી જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. જેથી એકપણ અબોલ પશુઓ આ વાવાઝોડાનો ભોગ ન બને. તે માટે પશુઓના સ્થળાંતરની કામગીરી પણ થઈ ગઈ છે.