નીતિન પટેલને રાજનીતિમાંથી ભૂંસી નાંખવાની રમત રમાઈ રહી છે?
ગુજરાતમાં આગામી સમયમાં ચૂંટણીઓ થવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસની આંતરિક જૂથવાદની નીતિ લોકો સમક્ષ છુપી રહી નથી. જેમ કોંગ્રેસમાં શંકરસિંહ પોતાનો દબદબો રાખવા માટે મથી રહ્યાં છે અને ભરતસિંહ પણ શંકરસિંહને પછાડવાની આંતરિક રાજનીતિ રમી રહ્યાં છે. ત્યારે ભાજપમાં પણ આ પ્રકારના વિખવાદો અંદરોઅંદર ચાલી રહ્યાં છે. ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેનના ગૃપના હોવાથી તેમને પુરાં કરવા માટે હવે રાજનિતીની ગોઠવણ થઈ ચુકી છે. એક વેબસાઈટના રીપોર્ટ મુજબ મહેસાણાના બલોલ ગામના પટેલ યુવાનના ચોરીના આરોપ હેઠળ જેલમાં થયેલા અપમૃત્યુ કેસમાં હાલમાં નવા વળાંકો આવી રહ્યાં છે. ત્યારે જે પ્રકારે અનામતના મુદ્દાને પવન ફૂક્યા પછી હવે તે મુદ્દો તેમના હાથ બહાર નિકળી ગયો છે, તેમ નીતિન પટેલને પુરો કરવા માટે શરૂ કરેલી રમતનો ભોગ ભાજપ થઈ જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.
1990ના દસકમાં જયારે ચૌધરીઓ અને પટેલો બંન્ને ઝુકાવ કોંગ્રેસ તરફ હતો ત્યારે પટેલને પોતાની તરફ કરવા માટે ભાજપ અને ખાસ કરીને નીતિન પટેલે ચૌધરીઓને અનામત મળે છે પટેલોને મળતી નથી તેવો ધીમો ગણગણાટ શરૂ કર્યો હતો, ત્યાર બાદ 1995માં પટેલો અને ચોધરીઓ બંન્ને ભાજપમાં આવી ગયા પણ પટેલના કાનમાં અનામતનું ઝેર રેડયુ હતું તે હવે ભાજપના ગળામાં આવી અટકી ગયું છે. આવી જ સ્થિતિ કેતન પટેલના મોતના મામલે થઈ રહી છે. આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા પછી નીતિન પટેલને કહી દેવામાં આવ્યું હતું કે હવે તમે જ મુખ્યમંત્રી છો, તેમણે મીઠાઈઓ પણ વહેંચી દીધી અને છેલ્લી ઘડીએ અમીત શાહે કુકરી મારી નીતિન પટેલને હટાવી વિજય રૂપાણીને બેસાડી દીધા હતા. આ ડંખ સ્વભાવીક રીતે જ નીતિન પટેલ ભુલી શકે તેમ નથી, આ ઓછું હોય તેમ અમીત શાહ એન્ડ મંડળી નીતિન પટેલનો કક્કો ગુજરાતના રાજકારણમાંથી ભુસવા માગે છે, પહેલા તો તેમની પાસે જાહેરાત કરાવી કે તેઓ મહેસાણામાંથી ચૂંટણી લડશે. ત્યાર બાદ કેતન પટેલના મૃત્યુનો મામલો સામે આવતા, નીતિન પટેલને વિરોધીઓ દોડવુ હતું અને ઢાળ મળ્યો તેવી સ્થિતિ થઈ ગઈ. કેતન પટેલના મૃત્યુનો મામલો સરળતાથી ઉકેલી શકાય તેમ છે. કેતનના શરીર ઉપર જે પ્રકારના મારના નિશાન છે, તે જોતા કસ્ટોડીયલ ડેથનો મામલો સામાન્ય ગામડાના માણસને સમજાય તેવો જ છે. ગુજરાત સરકારનો દાવો છે કે કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી પણ રાજય સરકારની નિયત સાફ હોય અને પ્રશ્ન ઉકેલવાની દાનત હોય તો ખુદ પોલીસ ફરિયાદી થઈ ગુનો દાખલ કરે અને જેમની પાસે કેતનની કસ્ટડી હતી, તે પોલીસવાળાની ધરપકડ કરી નાખે તો મામલો શાંત થઈ જાય તેમ છે, પણ ભાજપની નેતાગીરીને પ્રશ્ન લાંબો ચાલે અને સળગતો રહે તેમા રસ છે, કારણ તો જ નીતિન પટેલને વધુમાં વધુ નુકશાન થઈ શકે તેમ છે. એટલે પ્રશ્નના સમાધાન તરફ જવાને બદલે કોંગ્રેસ અને એડવોકેટ બાબુ મંગુકીયા ઉપર રાજકિય ઉશ્કેરણીનો આરોપ મુકી રહ્યા છે.