ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022 (11:35 IST)

માતાજી નહી પણ સરકાર થઇ મહેરબાન, નવરાત્રિના પહેલાં નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવાનોને રોજગાર

Not Mataji but the government
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવકોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો અર્પણ કર્યા હતા. રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે ૧.૪૯ લાખ યુવાઓને રોજગાર અવસર આપવાની આ ઐતિહાસિક ગૌરવ ઘટના છે. ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતિકરૂપે ૧૭ જેટલા યુવાઓને પત્રો આપ્યા હતા. સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લા અને ૭ મહાનગરપાલિકાઓમાં આયોજિત રોજગાર પત્ર વિતરણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રોપેલા વિકાસના મજબૂત પાયાના પરિણામે જ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.
 
યુવાનોની પ્રતિભા થકી દેશનો વિકાસ કરવા ટેલેન્ટ પૂલ અતિમહત્વનું છે તેના માટે રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓના સહયોગથી રાજ્યમાં કાર્યરત ૬૦૦ જેટલી આઇ.ટી.આઇ.માં ૨.૧૭ લાખ વિદ્યાર્થીઓને ૧૨૫ જેટલા કોર્સના અભ્યાસથી સ્કીલ્ડ વર્કફોર્સ બનાવવામાં આવી રહ્યા છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ચાર વર્ષમાં એક લાખથી વધુ યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી અને ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ દ્વારા યુવાનોની પ્રતિભાને ઉજાગર કરવામાં આવી રહી છે તેની ભૂમિકા તેમણે આપી હતી.
 
રાજ્ય સરકારે ગ્રીન ઝોન, ઇલેક્ટ્રોનીક્સ, ડ્રોન, લોજીસ્ટીક્સ જેવા ૫૧ ન્યુ એજ કોર્ષ  શરૂ કરીને યુવાનોને સ્કીલ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીમાં ડ્રોન કોષ શરૂ કરીને ત્રણ વર્ષમાં વીસ હજાર જેટલા યુવાનોને ડ્રોન બનાવવા, ડ્રોન રીપેર કરવા અને ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવશે તેનો પણ મુખ્યમંત્રીએ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. ગુજરાત નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં દરેક ક્ષેત્રે મજબૂત વિકાસનો પર્યાય બન્યું છે. ગુજરાતે બે દાયકામાં વિકાસના દરેક ક્ષેત્રમાં, દરેક એકમોમાં  હરણફાળ ભરી છે, એમ તેમણે રાજ્યની સર્વગ્રાહી વિકાસની છણાવટ કરતા કહ્યું હતું.
 
તેમણે ઉમેર્યુ કે,  બે દાયકા પહેલાં રાજ્યમાં ઉર્જા ક્ષેત્રે ૯૯ મેગા વોટ રીન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થતું હતું જે આજે ૧૬,૫૮૮ મેગાવોટે પહોંચ્યું છે તેમજ ૮૭૫૦ મેગાવોટ વીજ ઉત્પાદન આજે ૪૦,૧૩૮ મેગાવોટ પર પહોંચ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતની જીવાદોરી મા નર્મદાના માત્ર ૨૬ ટકા પાણીનો ઉપયોગ થતો હતો જે આજે ૯૪.૮૬ ટકાએ પહોંચ્યો છે. જળશુદ્ધિકરણના ૮૧૦ એમ.એલ.ડી.ની ક્ષમતા આજે ૩૩૬૮ એમ.એલ.ડી.એ પહોંચી છે. બે દાયકા અગાઉ રાજ્યમાં ૨.૭૪ લાખ MSME  ઉદ્યોગો હતા જેની સંખ્યા આજે ૮.૬૬ લાખ થઈ છે.
 
કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને આત્મનિર્ભર બનવાનો જે કૉલ આપ્યો તેના જ પરિણામે ગણતરીના મહિનાઓમાં સ્વદેશી વેક્સિન બનાવીને દેશના વૈજ્ઞાનિકોએ સમગ્ર દેશને કોરોના મહામારીથી સુરક્ષિત કર્યો છે. મુખ્યમંત્રીએ રોજગાર પત્રો મેળવનારા યુવાઓને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ પાઠવતાં આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાકાર કરવા પણ પ્રેરણા આપી હતી.
 
રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ગૌરવભેર જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે  પદભાર સંભાળતા જ વર્ષમાં એક લાખથી વધુ યુવાનોને રોજગારી આપવાનો જે સંકલ્પ લીધો હતો તે આજે પરિપૂર્ણ થઈ રહ્યો છે‌.નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં આરંભેલા વાઇબ્રન્ટ વિકાસના પરિણામે ગુજરાત મેન્યુફેકચરીંગ ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રોમાં આત્મનિર્ભર બન્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.