શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 ડિસેમ્બર 2019 (11:34 IST)

નોટબંધી એસેસમેન્ટ અંતર્ગત સામાન્ય માણસે ટેક્સ ભર્યો પણ રાજકોટના ઉદ્યોગપતિઓ મુંગા રહ્યાં

નોટબંધી લાગુ થતાની સાથે જ વેપારી, ઉદ્યોગપતિ અને બિલ્ડરોની ઊંઘ હરામ થઈ હતી, તો હાલમાં ઈન્કમટેક્સ અધિકારીઓને રાત ઉજાગરા કરવા પડી રહ્યા છે. નોટબંધીના કેસોનું વહેલી તકે નિરાકરણ આવે તેવું કરદાતા અને અધિકારીઓ બધા ઈચ્છી રહ્યા છે. હાલ નોટબંધીના એસેસમેન્ટ ચાલી રહ્યા છે. જેમાં અધિકારી અને કરદાતાના બે ચહેરા સામે આવ્યા છે. કેટલાક કેસોમાં એવું બન્યું છે કે, વેપારી અને ઉદ્યોગપતિઓએ જવાબ આપવાનું ટાળ્યું છે તો કેટલાક કેસોમાં નાના કરદાતાએ સામાન્ય રકમ રૂ.76,500 નો ભરવાપાત્ર ટેક્સ ભરી દીધો છે. કેટલાક કરદાતાઓ જેને ખુલાસો પૂછવામાં આવ્યો હોવા છતાં તેઓ કોઈ જવાબ નહીં આપતા અધિકારીઓએ તેઓને 3 વાર કહ્યું કે, હાજીર હો પણ કોઈ જવાબ નહીં મળતા આખરે આવા કેસોમાં એક તરફી એસેસમેન્ટ થયું છે, જ્યારે કેટલાક અધિકારીઓ એવા પણ છે કે કરદાતાઓ ક્યા રહે છે તેનું એડ્રેસ શોધીને તેના ઘરે રૂબરૂ ગયા અને તેઓને માહિતગાર કર્યા અને અધિકારીઓએ રૂબરૂ સમજાવતા જેને નોટિસ મળી હતી. તેઓને પણ રાહત થઇ હતી. જે કેસમાં એકતરફી એસેસમેન્ટ થયું છે તેવા કેસોમાં હજુ અનેક વર્ષો નીકળી જશે. આ બધા કેસો અપીલમાં જશે અને તે કેસ લાંબા ચાલશે. જ્યાં સુધી કેસોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી કેસોનો ભરાવો થશે. કરદાતા અને અધિકારીઓ બન્નેને તકલીફ પડશે.