સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 મે 2018 (12:10 IST)

જાણો કેમ લંડનની મહિલા જૂનાગઢની જેલમાં સજા કાપશે

ડિજિટલ ગુજરાતી માધ્યમોમાં હાલમાં ચાલી રહેલા એક રીપોર્ટ મુજબ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના હત્યા કેસમાં લંડનમાં રહેતી મહિલા સહિત બે આરોપીઓને ભારતમાં ડીપોર્ટ કરતાં અગાઉ લંડન ખાતેની કોર્ટે જેલના એક્સપર્ટ્સને જુનાગઢની જેલને તપાસવા એક ભારતમાં મોકલ્યાં હતાં. જેમણે જેલનું નિરિક્ષણ પણ કર્યું હતું. 
પ્રાપ્ત માહિતી પ્રમાણે 2017ની 8મી ફેબૃઆરીએ રાત્રીના સમયે કેશોદના માણેકવાડાથી થોડેક દુર પાર્ક થયેલી એક કારમાંથી એક બાળકનુ અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.  ત્યારે બાળકને બચાવવા માટે તેના પરિવારજને અપહરણકારો સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન અપહરણકારોએ તેને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટનામાં બે જણાંના મોત થયાં હોવાથી સમગ્ર બનાવ ડબલ મર્ડર કેસમાં ફેરવાયો હતો. પોલીસે જોકે, અપહરણકારોને ઝડપી લીધા હતા. 

આ બનાવમાં એલસીબીની તપાસમાં ગોપાલને દત્તક લેવાની કાર્યવાહી કરનાર એનઆરઆઇ મહિલા આરતી ધીર અને મૂળ માળિયા હાટીનાનાં રહેવાસી કેવલજીતસિંહ રાયજાદા આરોપીઓ હોવાનું બહાર આવ્યું હતું.આરતીએ ગોપાલને દત્તક લઇ તેના આધારે લંડનમાં તેનો મોટી રકમનો વીમો ઉતરાવી બાદમાં અહીં હત્યા કરાવી હતી. જેના આધારે તેણે ઇન્સ્યોરન્સ ક્લેમ કરી પૈસા ચાઉં કરી જવાનો કારસો રચ્યો હોવાનું ખુલ્યું હતું. 
જૂનાગઢ પોલીસે આરતી અને કેવલજીતસિંહને ભારત લાવવા વિદેશ વિભાગ મારફત કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન લંડનની કોર્ટે બંનેને ભારત ડીપોર્ટ કરતાં પહેલાં જૂનાગઢ જેલ ચેક કરવા માટે જેલ એક્ષ્પર્ટને જૂનાગઢ મોકલ્યા હતા. જે મુજબ લંડનનાં જેલ એક્ષ્પર્ટ જેમ્સ મેક માનુસ આજે જૂનાગઢ આવી પહોંચ્યા હતા. અને ગુજરાતનાં ઇન્ચાર્જે જેલ ડીજી તેજપાલસીંગ બીસ્ત સાથે જૂનાગઢ જેલનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ હજુ આગામી બેએક દિવસ સુધી અહીં રહેશે. અને હજુ જેલમાં નિરીક્ષણ કરનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.