1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 (13:59 IST)

જામનગરથી બારડોલી જતાં સગા ભાઇ બહેનની કાર અજાણ્યા વાહન સાથે અથડાતા બંનેના મોત

jamnagar accident
jamnagar accident
લીંબડી હાઈ-વે પર છાલિયા તળાવ નજીક રોડ પર ઉભેલા અજાણ્યા વાહન પાછળ કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જામજોધપુરના સગા ભાઈ બહેનના મોત થયા હતા. અકસ્માત સર્જી અજાણ્યો ચાલક વાહન લઈ ફરાર ગયો હતો.

જામજોધપુરનો યુવાન જામનગરમાં રહેતા મોટા બહેનને લઈ કારમાં જઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં જીવલેણ અકસ્માત નડ્યો હતો. જામજોધપુર રહેતા કલ્પેશભાઈ પ્રફુલભાઈ મજિઠીયાએ બારડોલી ખાતે એક્ઝિબિશનમાં જ્યુસનો સ્ટોલ રાખ્યો હતો. મંગળવારે કલ્પેશ કારમાં જ્યુસ બનાવવાનાં સાધનો મૂકી જામનગર રહેતા બનેવી નિલેશ સવજાણીના ઘરે આવ્યો હતો. એક્ઝિબિશનમાં મદદ મળી રહે તે માટે કલ્પેશે તેના મોટાબહેન શિલ્પાબેન સવજાણીને બારડોલી આવવા માટે તૈયાર કર્યા. કાર્ય સ્થળ પર સમયસર પહોંચી શકાય તે માટે ભાઈ-બહેન રાતે 1 વાગ્યે બારડોલી જવા રવાના થયા હતા. લીંબડી હાઈ-વે પર છાલિયા તળાવ નજીક રોડ પર ઉભેલા વાહન પાછળ તેમની કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. કારના આગળના ભાગનું તો પડીકું વળી ગયું હતું. ગંભીર રીતે ઘવાયેલા ભાઈ-બહેન ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

અકસ્માત સર્જનાર અજાણ્યો ચાલક વાહન લઈ ભાગી ગયો હતો. અકસ્માત અંગે મૃતકોના પરિવારને જાણ કરી કારમાં ફસાયેલા મૃતદેહોને મહામહેનતે બહાર કાઢી પીએમ માટે લીંબડી સરકારી હૉસ્પિટલે ખસેડયા હતા.