સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (12:34 IST)

હાય રે ભાવવધારો- ડુંગળીની કિંમત ટૂંક સમયમાં રૂપિયા 50થી વધે તેવી અટકળો

ગરીબો માટે કસ્તુરી ગણાતી ડુંગળી હવે આમ આદમીની થાળીમાંથી જ ઓછી થવા લાગે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. અમદાવાદમાં હાલ ડુંગળીના છુટક ભાવ રૃપિયા ૪૦ પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે અને આવનારા દિવસોમાં તેમાં હજુ પણ વધારો થઇ શકે છે. મહારાષ્ટ્ર ડુંગળીનો હોલસેલ ભાવ પ્રતિ કિલોગ્રામે રૃપિયા ૧૮ હતો અને તે હવે રૃપિયા ૩૦ સુધી પહોંચી ગયો છે. ભારે વરસાદને પગલે દક્ષિણના રાજ્યોમાં પાક પર પ્રતિકૂળ અસર થવાથી સરકારે ડુંગળીની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધની જાહેરાત કરી હતી. ભારત વિશ્વભરમાં ડુંગળીનું મોટું નિકાસકાર છે. હાલમાં ડુંગળીની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. ૧૫ દિવસ અગાઉ ડુંગળીનો હોલસેલ ભાવ રૃપિયા ૧૮ હતો, જે વધીને ૩૦ રૃપિયે પહોંચ્યો છે. ડુંગળીના છુટક ભાવ અમદાવાદમાં હાલ ૪૦ રૃપિયા પ્રતિ કિલોગ્રામ છે. હવે આગામી દિવસોમાં ડુંગળીના ભાવ રૃપિયા ૫૦થી વધી શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે, વિસ્તાર અને ડુંગળીની ગુણવત્તા પ્રમાણે ભાવમાં તફાવત જોવા મળે છે. ડુંગળીના ભાવ વધારા માટે વેપારીઓ અતિવૃષ્ટિને જવાબદાર ગણે છે. તેઓના મતે વધુ પડતા વરસાદથી અન્ય શાકભાજીની સાથે ડુંગળીના પાકને પણ નુકસાન થયું છે. પાક ખરાબ થતાં આવક ઘટી છે અને તેથી ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્ર-રાજસ્થાન-મધ્ય પ્રદેશથી ડુંગળી આવે છે. જેમાં સૌરાષ્ટ્રથી આવતી ડુંગળીનો ભાવ ૧ સપ્ટેમ્બરના ૧૪ રૃપિયા પ્રતિ કિલોગ્રામ હતો અને તે હવે રૃપિયા ૨૨ થઇ ગયો છે. ડુંગળી ઉપરાંત બટાકા-ટામેટાંની કિંમતમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ટામેટાંની કિંમત રૃપિયા ૮૦ પ્રતિ કિલોગ્રામ જ્યારે બટાકાની કિંમત રૃપિયા ૪૦ પ્રતિ કિલોગ્રામ છે. બટાકાની કિંમતમાં છેલ્લા ૧ સપ્તાહ દરમિયાન વધારો જોવા મળ્યો છે. અન્ય શાકભાજીમાંથી ભીંડાની કિંમત ૬૦ રૃપિયે પ્રતિ કિગ્રા, દુધીની કિંમત ૫૫ રૃપિયે પ્રતિ કિગ્રા, ફ્લાવરની કિંમત ૧૧૦ રૃપિયે પ્રતિ કિગ્રા, કારેલાની કિંમત ૮૦ રૃપિયે પ્રતિ કિગ્રા થઇ ગઇ છે. આમ, શાકભાજીમાં વધતા ભાવથી અનેક ઘરોનું બજેટ ખોરવાયું છે.