મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 નવેમ્બર 2021 (08:55 IST)

નૉન-વેજની લારીઓ હઠાવતાં વિરોધ થતાં ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે શું સ્પષ્ટતા કરી?

રાજકોટ, ભાવનગર, વડોદરા અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જાહેરમાર્ગો પર નૉન-વેજની લારીઓ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને તેનો લારીવાળા વિરોધ કરી રહ્યા છે.
 
બીજી તરફ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે 16 નવેમ્બરે યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં મીડિયાકર્મીઓ સાથે વાતચીત દરમિયાન કૉર્પોરેશનો દ્વારા આવા કોઈ નિર્ણય લેવામાં ન આવ્યાની વાત કરી છે.
 
તેમણે આ દરમિયાન કહ્યું હતું કે, "કૉર્પોરેશનો દ્વારા આવા કોઈ નિર્ણય લેવામાં આવ્યા નથી તેથી આ નિર્ણય પાછા ખેંચી લેવાની ભલામણ કરવાનો પ્રશ્ન જ નથી. આ તો માત્ર કોઈએ કહી દીધું હતું કે આવી કોઈ કાર્યવાહી થવી જોઈએ. બાકી કોઈ નિર્ણય અપાયા નથી."
 
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો કોઈ આદેશ નથી અપાયા તો પછી કેમ માંસ-ઈંડાં જાહેરમાં વેચતી લારીઓ પર કાર્યવાહી કરાઈ રહી છે?
 
ત્યારે સી. આર. પાટીલે પત્રકારોનાં પ્રશ્નોના જવાબમાં આ મુદ્દે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, "આવી કાર્યવાહી થતી હોય તો તેનાં કારણો જુદાં હશે. તેમ છતાં જો આવી કોઈ કાર્યવાહી કરાઈ હોય તો પ્રેસ કૉન્ફરન્સ પત્યાના એક કલાકમાં અમે પૂછપરછ કરી લઈશું. બાકી અમે પક્ષ તરફથી પણ ખાતરી આપીએ છીએ કે ઈંડાં અને માંસનું જાહેરમાં વેચાણ કરવાનું કારણ આપી કોઈ પણ લારી-ગલ્લા હઠાવવામાં નહીં આવે. મુખ્ય મંત્રી ગઈ કાલે પોતે આ મુદ્દે સ્પષ્ટતા કરી ચૂક્યા છે."
 
જોકે, ગુજરાતના મુખ્ય મંત્રી તથા ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના નેતાઓ આ અંગે વિરોધાભાસી મત વ્યક્ત કરી રહ્યા છે, જેના કારણે આ મુદ્દે પાર્ટીની અંદર પ્રવર્તી રહેલો વિરોધાભાસ બહાર આવ્યો છે.
 
ગુજરાતની તમામ આઠ મ્યુનિસિપલ કૉર્પોરેશન પર ભાજપનું શાસન છે, ત્યારે પાર્ટીનો આંતિરક વિખવાદ પણ તેને અસર કરી શકે છે.
 
બીજી બાજુ, કૉંગ્રેસનો આરોપ છે કે ભાજપ દ્વારા સરકારની નિષ્ફળતાઓ પરથી ધ્યાન હઠાવવા માટે આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં આ પ્રકારના સંવેદનશીલ મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે.
 
રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ગત અઠવાડિયે ફૂલછાબ ચોકમાં ઇંડાં-ચિકનના લારીગલ્લા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીં કથિત રીતે 40 વર્ષથી આ લારીઓ અસ્તિત્વ ધરાવતી હતી.
 
કાર્યવાહીમાં અગ્રણી ભૂમિકા ભજવનારા રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેયર ડૉ. પ્રદીપ ડવના કહેવા પ્રમાણે, "છેલ્લાં કેટલાંક વર્ષોથી ઈંડાં ઉપરાંત ચિકન અને મટનની લારીઓનું પ્રમાણ વધ્યું હતું અને તેની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી હતી."
 
"તેઓ ચિકન મટનને લટકાવતા હતા, લોકોને તે જોવું પસંદ નથી એટલે આ નિર્ણય લેવો પડ્યો છે અને હું તેના ઉપર અડગ છું. આગામી દિવસોમાં લારીઓને રાખવા દેવાં નહીં આવે તથા કૉર્પોરેશન 100 ટકા પરિણામલક્ષી કાર્યવાહી કરશે."