ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 જૂન 2018 (14:32 IST)

પાકિસ્તાનથી આવેલા પત્રથી પરિવારમાં આભ ફાટ્યું, પરિવારે કેન્દ્ર સરકારને શું કરી વિનંતી

પાકિસ્તાનની લાડી જેલમાં એક ભારતીય માછીમારનું મોત થયુ પણ છેલ્લા ત્રણ મહિનાથી માછીમારનો મૃતદેહ પાકિસ્તાનમાં હોવા છતાં ભારત સરકારને જાણ કરાઇ નથી. સાથી માછીમારોએ પત્ર લખી મૃતકના પરિવારને જાણકારી આપી છે. પાકિસ્તાનની નાપાક મરીને ગત માર્ચ મહિનામાં જખૌના દરિયામાંથી ગીર સોમનાથનાં કોટડા ગામના દેવા રામા બારૈયા નામના માછીમારનું અપહરણ કરી તેને અને તેના સાથી માછીમારોને લાડી જેલમાં ધકેલી દીધા હતા. પરંતુ લાડી જેલથી ચોંકાવનારી ખબર સામે આવી છે. દેવાભાઇ રામાભાઇના ગામના અન્ય માછીમાર ચાવડા દેવજી રાજાભાઈ જે પાકિસ્તાન જેલમાં કેદ છે તેમણે કોટડા પત્ર લખી જાણ કરી છે કે કોટડા ગામના દેવા રામા બારિયા જે અમારી સાથે લાડી જેલમાં હતા તેમનું અહીં મોત થયું છે. પાકિસ્તાનની લાડી જેલમાં બંધ માછીમાર દેવાભાઈ કે જેમનું તારીખ 4/3/2018 ના રોજ હાર્ટ એટેક આવતા મોત થયું હતુ તેમની ડેડબોડી હજુ પાકિસ્તાનમાં છે. દેવાભાઇના મોતને ત્રણ મહિના વીત્યા છતાં પાકિસ્તાનની નાપાક સરકારે ભારત સરકારને જાણ સુધા કરી નથી.પાકિસ્તાન જેલમાંથી આવેલા પત્રમાં ખુલાસો થતા દેવાભાઇના પરિવારમાં કાળો કલ્પાંત વ્યાપ્યો છે. મૃતક દેવાભાઇના પરિવારજનો ભારત સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તત્કાળ દેવાભાઈનો મૃતદેહ માદરે વતન લવાય જેથી તેનું અંતિમ વખત મોં જોઈ શકાય અને હિન્દૂ ધર્મ મુજબ તેમની અંતિમ વિધિ કરી શકાય. ફિશરમેન પર કામ કરતા એનજીઓનું કહેવું છે કે અત્યાર સુધી પાકિસ્તાન જેલમાં 20થી વધુ ભારતીય માછીમારો મોતને ભેટયા છે. પરંતુ પાકિસ્તાન ભારત સરકારને મહિનાઓ વીત્યા પછી જાણ કરે છે.