સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (13:10 IST)

ખેડૂતોને દેવામાફીના મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણી 24 કલાકના પ્રતિક ઉપવાસ પર બેઠાં

ખેડૂતોને દેવામાફીના મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણી અમદાવાદ સાબરમતી આશ્રમ પાસે 24 કલાકના પ્રતિક ઉપવાસ પર બેઠા છે. રાજ્યની ભાજપની સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્ને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોના દેવા માફ નહીં થતા તેઓ પાયમાલ થઈ રહ્યા છે ત્યારે ખેડૂતોની દેવામાફીની માગને લઈને કોંગ્રેસના નેતાઓ ઠેર ઠેર પ્રતિક ઉપવાસ તેમજ ધરણા પર બેઠા છે. વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી શુક્રવારે સાબરમતી આશ્રમ પાસે 24 કલાકના ઉપવાસ પર બેઠા હતા. તેમણે ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને નમન કરીને ઉપવાસનો પ્રારંભ કર્યો હતો. તેમની સાથે કોંગ્રેસના કેટલાક સમર્થકો પણ જોડાયા હતા. 
હાર્દિકના ઉપવાસનો 14મો દિવસ છે અને સરકારના અક્કડ વલણ સામે હાર્દિકે ફરીથી જળત્યાગ કર્યો છે ત્યારે કોંગ્રેસે રાજ્યના તમામ મુખ્યમથકોમાં અને જિલ્લાભરમાં ઠેર ઠેર ધરણાનો કાર્યક્રમ આરંભ્યો છે. ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે સરકારના બિનલોકશાહીભર્યા વલણ બદલ કોંગ્રેસના તમામ નેતાઓ આજે એક દિવસનો પ્રતિક ઉપવાસ તેમજ દેખાવો કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતોના દેવાને સંપૂર્ણ માફ નહીં કરવામાં આવે ત્યાં સુધી રાજ્યમાં કોંગ્રેસ જંપીન નહીં બેસે.  ખેડૂતોની સંપૂર્ણ દેવામાફી અને હાર્દિક પટેલ સાથે મુખ્યપ્રધાન દ્વારા સીધો સંવાદ સ્થાપીત કરીને આંદોલનનો અંત લાવવા, અલ્પેશ કથીરિયા સહિતના આંદોલનકારીઓની મુક્તિની માગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યો-નેતાઓએ ગુરુવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રૂબરૂ મુલાકાત લીધી હતી. કોંગ્રેસની માગણી અંગે મુખ્યપ્રધાને સકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજીતરફ પ્રદેશ કોંગ્રેસ દ્વારા હાર્દિકના સમર્થનમાં આજથી તાલુકા-જિલ્લા સ્તરે 24 કલાકના ઉપવાસ-ધરણાં શરૂ કરાયા છે.
હાર્દિક પટેલના આમરણ ઉપવાસ અંગે વિપક્ષના નેતાએ જણાવ્યું કે, દેવામાફી સહિત ખેડૂતોના વિવિધ મુદ્દે રાજ્યના એક અન્નદાતાનો દીકરો છેલ્લા 13-13 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે, પરંતુ ભાજપની સંવેદનહીન અને અહંકારી સરકાર આંદોલનકારીઓ સાથે સંવાદ સાધવામાં નિષ્ફળ નીવડી છે. કોંગ્રેસ તરફથી મુખ્યપ્રધાનને હાર્દિક પટેલ સાથે સીધો સંવાદ સ્થાપિત હાર્દિકને જીવતદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથોસાથ ન્યાય અને હક માટે આંદોલન કરવાનો અધિકાર આપવા અને પાટીદાર આંદોલન સમયે રાજદ્રોહ સહિતના ખોટા પોલીસ કેસોમાં ફીટ કરી દેવાયેલાં-જેલમાં પૂરી દેવાયેલાં પાસના અગ્રણી અલ્પેશ કથીરિયા સહિતના આંદોલનકારીઓને તાત્કાલિક મુક્ત કરવાની રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે, ખેડૂતો ઉપરાંત ગુજરાતના ગરીબ યુવાનોને શિક્ષણ, આરોગ્ય અને રોજગારની તકો પ્રાપ્ત થાય તે માટે સરકાર સંવાદ સ્થાપીત કરીને લોકોને સ્પર્શતા મુદ્દાઓનું નિરાકરણ લાવે તેવી માગણી સાથેનું આવેદન સુપરત કરવામાં આવ્યું છે.