શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 જુલાઈ 2019 (13:21 IST)

હવે પ્રવાસીઓ વર્લ્ડ હેરીટેજ પાટણની રાણકી વાવની રાત્રે 9.00 વાગ્યા સુધી મુલાકાત લઈ શકશે

પાટણમાં વર્લ્ડ હેરિટેજ રાણકી વાવના દરવાજા પ્રવાસીઓ માટે હવે રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે તેવી કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદસિંહ પટેલે જાહેરાત કરી છે પરંતુ રાણકીવાવમાં લાઈટની વ્યવસ્થા ન હોવાથી હાલમાં 9:00 અંધારામાં ફાંફા મારવા પડે તેવી સ્થિતિ છે. તેમજ સંકુલની બહાર રોડ પર લોકોની સુરક્ષા માટે પોલીસ પોઈન્ટ ની સુવિધા પણ નથી વિદેશી પ્રવાસીઓ વાવને નિહાળવા માટે આવતા હોય છે. 
આ સ્થળ શહેરથી દૂર આવેલું હોવાથી રાત્રીના સમયે પ્રવાસી સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સુરક્ષા રાખવી હવે અત્યંત જરૂરી બની છે. રાણકીવાવ પ્રવાસન સ્થળ હોવાથી દરરોજ 300 થી 500 અને રવિવારે 1500થી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે ત્યારે આ સ્થળ પર લોકોની સુરક્ષા માટે પોલીસચોકી બનાવવા માટે ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પણ અગાઉ તંત્રમાં રજૂઆત કરી હતી. 
વાવ અને સંકુલમાં લાઇટની વ્યવસ્થા નથી પરંતુ રોડ પર છેક સહસ્ત્રલિંગ તળાવ જવાના રસ્તા સુધી પાલિકાએ સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરેલી છે. હાલમાં રાણકીવાવ, સહસ્ત્રલિંગ તળાવ સહિતના સ્થળે 9 ગનમેન સાથે 24 સિક્યુરિટી ગાર્ડ છ, ટિકિટ ઓપરેટર, કાયમી કર્મી અને લેબર મળી કુલ 40 જેટલાનો સ્ટાફ છે. 
પુરાતત્વ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી મોડી સાંજે આવતા પ્રવાસીઓને વાવ જોયા વગર પરત જવું પડતું હતું પરંતુ હવે રાત્રે 9:00 સુધી પ્રવાસીઓ રાણકીવાવ નિહાળી શકશે તેવી મંત્રીએ જાહેરાત કરી છે એટલે હવે પરત જવું નહીં પડે જોકે મંત્રીએ જાહેરાત કરી છે એટલે પ્રવાસીને ના નહીં પાડી શકાય પરંતુ હાલમાં વાવમાં તેમજ સંકુલમાં લાઈટની વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીને વાવ નિહાળવામાં અનુકૂળતા રહે તેમ નથી લાઇટિંગની વ્યવસ્થા થયા બાદ અનુકૂળતા રહેશે.