1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Pavagadh Stone Accident 3 Yatrik Injured

પાવાગઢમાં વહેલી સવારે મોટી દુર્ઘટના: પાટિયાપુલ નજીક પથ્થરો ધસી પડતાં બે શ્રદ્ધાળુઓના મોત, 15 યાત્રિકો ઈજાગ્રસ્ત

Pavagadh Stone Accident
Pavagadh Stone Accident
યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી અને દુઃખદ દુર્ઘટના સામે આવી છે. ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક ભારે પથ્થરો નીચે ગબડતાં કેટલાક યાત્રિકો તેની નીચે દબાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે યાત્રિકોના મૃતદેહ મળી આવ્યા છે, જેના કારણે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

વહેલી સવારે 5 વાગ્યે ઘટી ઘટના: વરસાદના પાણીના પ્રવાહને કારણે માટી ખસી

 
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, વહેલી સવારે આશરે 5:૦૦ વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા ભારે વરસાદને કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો. આ પ્રવાહને કારણે ડુંગરની માટી ખસતાં ભારે પથ્થરો નીચે ગબડ્યા હોવાના અહેવાલ છે. વહેલી સવારે માતાજીના દર્શનાર્થે જઈ રહેલા યાત્રિકો અચાનક આ પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા.

 

રોપ-વે ટીમ અને પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ

 
ઘટનાની જાણ થતાં જ રોપ-વેની સ્થાનિક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી દીધી છે. આ ગંભીર દુર્ઘટના અંગે પાવાગઢ પોલીસને પણ જાણ કરવામાં આવતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે. હાલ પોલીસ અને સ્થાનિક ટીમ સંયુક્ત રીતે આગળની કાર્યવાહી અને બચાવ કાર્યમાં મદદરૂપ થઈ રહી છે.

હજુ પણ અન્ય લોકો દબાયા હોવાની આશંકા: સર્ચ ઓપરેશન કરાયું તેજ

 
આ દુર્ઘટના એટલી ગંભીર છે કે હજુ પણ પથ્થરોના કાટમાળ નીચે અન્ય કેટલાક યાત્રિકો દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને બચાવ ટુકડીઓ દ્વારા રાહત કાર્યને વધુ વેગવંતું કરવામાં આવ્યું છે જેથી સમયસર લોકોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડી શકાય.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો
આગળનો લેખ
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 24 કલાકમાં 76 તાલુકા વરસાદથી તરબોળ