સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (18:22 IST)

result

રાજ્યના નાગરિકોને વધુ સુરક્ષિત કરવા માટે અને કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સઘન બને તે માટે રાજ્યના પોલીસ તંત્રમાં ઉત્તરોત્તર વધારો કરીને નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજ્યના પાંચ જિલ્લાઓમાં PI/ PSI કક્ષાના ૧૯ પોલીસ સ્ટેશનો કાર્યરત કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 
 
આ ઉપરાંત વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ, પારડી અને  ડુંગરા, નવસારી જિલ્લાના વિજલપોર પોલીસ સ્ટેશનને તથા બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર પો.સ્ટે અને અમીરગઢ પો.સ્ટે ને  PSI કક્ષામાંથી અપગ્રેડ કરી PI કક્ષાના પોલીસ સ્ટેશનો બનાવાશે તેમજ  સુરત ખાતે ઉમરા, કોસંબા-નેશનલ હાઇવે અને ભરૂચ ખાતે મોટવાણ અંદાડા પર નવી આઉટ પોસ્ટ કાર્યરત કરાશે. આ માટે રૂા. ૪૭.૧૮ કરોડના ખર્ચે કુલ ૧૪૦૧ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. 
 
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બને અને નાગરિકોને નજીકમાં નજીક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં વધતી જતી વસ્તીના પરિણામે નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરવા અત્યંત અનિવાર્ય હોઇ વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, ભરૂચ જિલ્લામાં આ નવા ૧૯ પોલીસ સ્ટેશનો PI/PSI કક્ષાના કાર્યરત કરાશે.
 
તેમણે ઉમેર્યું કે, આ નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવનાર છે. જેમાં સુરત શહેર / જિલ્લાના થઇ રહેલા વિકાસને ધ્યાને રાખીને સુરત શહેરમાં  વેસુ,  સારોલી, પાલ, ઉતરાણ અને અલથાણ મળી કુલ-૫ અને સુરત ગ્રામ્યમાં અનાવલ, મઢી, ઝંખવાવ, મળી કુલ - ૩ નવિન પોલીસ સ્ટેશનો મંજૂર કરવામાં આવ્યા છે.  જે માટે ૫૮૬ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.
 
આ ઉપરાંત વડોદરા શહેરમાં અકોટા, કપુરાઇ, કુંભારવાડા અને અટલાદરા ખાતે નવા પોલીસ સ્ટેશન કાર્યરત થશે જે માટે ૩૦૦ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. એ જ રીતે વલસાડ જિલ્લામાં ઉમરગામ ખાતે એક પોલીસ સ્ટેશન શરૂ કરાશે. જે માટે ૭૧ જગ્યાઓ મંજૂર કરાઇ છે. રાજકોટ ગ્રામ્યમાં જેતપુર, ઉદ્યોગનગર, ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન અને ગોંડલ  સીટી ‘બી’ ડીવીઝન ખાતે પોલીસ સ્ટેશન શરૂ કરાશે. જે માટે ૨૧૧ જગ્યાઓ મંજૂર કરાઇ છે. ભરૂચ જિલ્લામાં પાનોલી અને ઝઘડીયા GIDC ખાતે નવું પોલીસ સ્ટેશન કાર્યરત કરાશે. જે માટે ૧૪૦ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. તેમજ અરવલ્લી જિલ્લામાં ટીટોઇ આઉટ પોસ્ટને અપગ્રેડ કરીને પોલીસ ઇન્સ્પેટર કક્ષાનું પોલીસ સ્ટેશન ૭૧ જગ્યાઓ સાથે મંજૂર કરવામાં આવ્યું છે. 
 
પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, વલસાડ જિલ્લામાં વલસાડ રૂરલ, પારડી અને ડુંગરા ખાતે, નવસારી જિલ્લાના વિજલપોર ખાતે અને બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર પો.સ્ટે અને અમીરગઢ ખાતે હાલ PSI કક્ષાના પોલીસ સ્ટેશનો કાર્યરત છે. આ પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરી PI કક્ષાના બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. તેમજ ભરૂચ જિલ્લામાં મોટવાણ અને અંદાડા ખાતે અને સુરત જિલ્લાના ઉમરા અને કોસંબા નેશનલ હાઇવે પર નવી આઉટ પોસ્ટ શરૂ કરવાનો પણ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. 
 
ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે કચ્છ જિલ્લામા મંજૂર થયેલા માધાપર નવીન પોલીસ સ્ટેશનનો ઈ-શુભારંભ કરાવ્યો હતો. આ પોલીસ સ્ટેશનના કારણે કચ્છ -ભૂજ ખાતે ટ્રાન્સપોર્ટેશન , રેસ્ટૉરન્ટ બેંક અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં થઈ રહેલા વિકાસને ધ્યાનમાં રાખી માધાપર ખાતે મંજૂર કરવામાં આવેલ નવીન પોલીસ  કાર્યરત કરવામાં આવ્યું છે. જેના લીધે પોલીસની કાર્યક્ષમતા વધશે અને માધાપર વિસ્તારના ઉદ્યોગો અને જનતાને સુરક્ષા અને સલામતીનો અહેસાસ થશે એ નિશંક બાબત છે.