1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Pilgrim bus overturns near Gondal, two death

ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી, સાસુ-વહુનાં કરુણ મોત

Pilgrim bus overturns near Gondal
ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામ પાસે વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ અચાનક પલટી મારી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે બસમાં સવાર સાસુ અને વહુ બંને મહિલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. પુરુષોત્તમ માસ નિમિત્તે ધાર્મિક યાત્રાએ નીકળેલા આ શ્રદ્ધાળુઓ માટે વહેલી સવાર કાળમુખી સાબિત થઈ હતી અને આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ટ્રકને સાઈડ આપવા જતાં અકસ્માત નડ્યો, 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

 
આ અકસ્માત રવિવારે વહેલી સવારે 4:30 વાગ્યે ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી બગદાણા, રાજપરા, ઊંચા કોટડા અને ભગુડા જેવા ધાર્મિક સ્થળોના દર્શન કરવા નીકળેલી ખાનગી બસ (GJ18U 9985) ને નડ્યો હતો. દિવસભર દર્શન કરીને સોમવારે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ જ્યારે બસ પરત ફરી રહી હતી, ત્યારે સામેથી આવતા એક ટ્રકને સાઈડ આપવા જતાં બસ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 5 મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

રાહત બચાવ કામગીરી અને પોલીસ તપાસ શરૂ

 
અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બસમાંથી ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે બંને મૃતકોના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
 
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો
આગળનો લેખ
ધૂળના તોફાનની ચેતવણી, 5 દિવસની તીવ્ર ગરમી, પછી વરસાદની ચેતવણી, ક્યાં વરસાદ પડશે?