PM Modi Gujarat visit - પીએમ મોદી બે દિવસ માટે આવશે ગુજરાત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને દુકાનોનુ કરશે લોકાર્પણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઑગસ્ટે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદના નિકોલ ખાતેથી 133.42 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 1,449 મકાન તથા 130 દુકાનોનું લોકાર્પણ કરશે. આ મકાનો પીએમ આવાસ યોજના હેઠળ બનાવાયા છે.
ગુજરાત સરકારની પ્રેસ રિલીઝ પ્રમાણે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત કુલ 7.64 લાખ આવાસોના લક્ષ્યાંક સામે 9.66 લાખ આવાસ મંજૂર કરવામાં આવ્યા છે. તેમાંથી 9.07 લાખ મકાનોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કૉમ્પ્લેક્સિસ યોજના અંતર્ગત શહેરી ગરીબો અને કામદારો સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા વર્ષ 2020માં જાહેરાત કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના કુલ 6 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. કુલ રૂ.307 કરોડના ખર્ચે હાથ ધરાયેલા લોકાર્પણ તથા ખાતમુહૂર્તના આ કામો ગુજરાતની પ્રજાને દૈનિક યાતાયાત અર્થે વધુ સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. આ પ્રોજેક્ટ્સ હેઠળ ઉત્તર ગુજરાતને અપગ્રેડેડ રસ્તાઓ, અંડરપાસ, ઓવરબ્રિજ મળશે જે નાગરિકો માટે મુસાફરીની સલામતી તથા સુગમતામાં વધારો કરશે.
વડાપ્રધાન ઉત્તર ગુજરાતના અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં કુલ રૂ. 274 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. તેમાં અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર ત્રણ છ-માર્ગીય વ્હિકલ અંડરપાસ (રૂ. 126 કરોડ), અમદાવાદ-વિરમગામ રોડ પર આવેલ ફાટક નં. 40 ઉપર રેલવે ઓવરબ્રિજ (રૂ. 70 કરોડ), કડી-થોળ થઈ સાણંદ સુધીના 24 કિલોમીટર લંબાઇના માર્ગના નવિનીકરણની કામગીરી (રૂ. 45 કરોડ), અને ગિફ્ટ સિટી જતાં બાપાસીતારામ જંક્શનનું ચાર-લેનમાંથી આઠ-લેન રોડમાં વિસ્તરણ (રૂ. 33 કરોડ)નો સમાવેશ થાય છે.