શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 માર્ચ 2020 (12:06 IST)

પોર્નોગ્રાફી કોઇ સંજોગોમાં ચલાવી નહીં લેવાયઃ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

ગુજરાતની વિધાનસભા ગૃહમાં સાઇબર ક્રાઇમના ગુનાઓ અંગેનો પ્રશ્ન કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે,સોશિયલ મીડિયા,પોર્નોગ્રાફીના ચલણના કારણે ગુનાખોરી વધી છે તો સરકાર પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મૂકવા માગે છે કે નહીં ? તેમના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સાઇબર ક્રાઇમની કામગીરી અને સ્થિતિ વિશે વિગતવાર જાણકારી આપી હતી. જાડેજાએ પોર્નોગ્રાફી દ્વારા માનસિક વિકૃત થતાં કિશોર-કિશોરીઓ,યુવાનોને રોકવા માટે સરકાર કટિબદ્ધ હોવાની ખાતરી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય શેખે પ્રશ્ન કરતા કહ્યું હતું કે, અત્યારે રાજ્યના ગામેગામ, ઘરે ઘર સ્માર્ટ મોબાઇલ છે. આ મોબાઇલથી ભડકાઉ વીડિયો વહેતો કરીને કોમવાદ ભડકાવવામાં આવે છે. આ ઉપરાંત ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. બાળકો,કિશોરો-કિશોરીઓ, યુવાનો રોજબરોજ પોર્નોગ્રાફીનો શિકાર બની રહ્યા છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મૂકવા માગે છે કે કેમ? શેખના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, વર્ષ 2018 અને 2019 દરમિયાન પોર્નોગ્રાફી સંબંધિત 751 ફરિયાદ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ શહેરમાં સરકારને મળી છે. આ પૈકી 11,167 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 365 સામે ચાર્જશીટ થઇ ગયું છે. હજુ 81 કેસમાં ગુનાની તપાસ ચાલુ છે. જાડેજાએ રાજ્યમાં સાઇબર સેલની સ્થિતિ, 24 કલાક ફરિયાદ લેવાય છે, સાઇબર સેલની કામગીરીની છણાવટ કરી હતી.વિપક્ષ નેતાના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, સાઇબર ક્રાઇમની સ્થિતિ એવી છે કે, મારે મારા શ્રીમતી સાથે વાત કરવી હોય તો પણ ગોપનિયતા રહેશે કે કેમ તે પ્રશ્ન છે. તેમના આવા પ્રશ્નના જવાબમાં જાડેજાએ કહ્યું હતું કે, સરકાર કોઇની પ્રાઇવસીમાં દખલગીરી કરવા માગતી નથી અને કરતી પણ નથી.