બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 માર્ચ 2023 (13:37 IST)

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યાથી લોકોને એન્ટ્રી, રાત્રે અઢી સુધી મેટ્રો, દોઢ વાગ્યા સુધી AMTS દોડશે

IPL ahmedabad
આજથી IPL 2023નો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. સૌપ્રથમ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ઓપનિંગ મેચ યોજાવાની છે. આજની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, જેથી 1.15 લાખ પ્રેક્ષકની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું જોવા મળશે. બપોરે 3:30 વાગ્યાથી લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.

બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા, કેટરીના કૈફ અને સિંગર અરિજિતસિંહ ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મન્સ કરશે. આજે ઓપનિંગ સેરેમની દરમિયાન 1500 જેટલા ડ્રોન મારફત આઇપીએલ 2023ના કપની કૃતિ આકાશમાં બનાવવામાં આવશે. IPL મેચની ટિકિટોનાં કાળાં બજાર થતાં હોય છે. મેચના ટિકિટોનું વેચાણ શરૂ થાય ત્યારે કેટલાંક તત્ત્વો એકસાથે મોટી સંખ્યામાં ટિકિટો ખરીદી લે છે અને ત્યાર બાદ એને ઊંચા ભાવે વેચાણ કરતા હોય છે. અમદાવાદમાં IPL મેચનાં કાળાં બજારને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, એમાં જે પણ વ્યક્તિ IPL મેચની ટિકિટો ભાવ કરતાં વધુ કિંમતે વેચાણ કરતા મળી આવશે તો તેની સામે ગુજરાત પોલીસ એક્ટ 1951ની કલમ 131 કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું આજથી 16 મે 2023 સુધી લાગુ રહેશે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાનારી આઈપીએલની પ્રથમ મેચ માટે પ્રેક્ષકોને સ્ટેડિયમ પહોંચાડવા અને પાછા લાવવા રાત્રે અઢી વાગ્યા સુધી મેટ્રો દોડાવાશે, જ્યારે બીઆરટીએસની 74 બસ રાત્રે 12 વાગ્યા સુધી અને એએમટીએસની 91 બસ રાત્રે 1:30 વાગ્યા સુધી દોડાવાશે. મેટ્રો દર 12 મિનિટે મળી રહેશે. ગઈકાલે ગુરુવારની સાંજે શહેરમાં વરસાદ પડતાં સ્ટેડિયમના ખૂણે પાણી ભરાયાં હતાં. મોદી સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે.