રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: નવસારી , શુક્રવાર, 26 જુલાઈ 2024 (16:30 IST)

પૂર્ણા નદી ઓવરફ્લો થતાં નવસારીમાં પુરના પાણી ઘુસ્યા, સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ

navsari news
navsari news
ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે પૂર્ણા નદી ગાંડીતૂર બની છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે જે હાલ 28 ફૂટ આસપાસ વહી રહી છે. જેના કારણે નવસારી શહેરના 10 વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. શહેરના 10 વિસ્તારોમાં ઘર હોય કે દુકાન હોય તમામ જગ્યાએ 5 થી 7 ફૂટ પાણી જોવા મળી રહ્યા છે. પૂર્ણા નદીના આવેલા ઘોડાપૂરના કારણે નવસારી-સુરત હાઈવે સહિત અન્ય કેટલાક રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે. સુરત, વડોદરા બાદ હવે નવસારીમાં જળબંબાકાર થયો છે. 
navsari news
navsari news
નવસારીની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા
નવસારી જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ તો નથી, પરંતુ ડાંગ સહિતના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવસારી જિલ્લામાં આફત આવી પહોંચી છે. શહેરમાં આવેલા ભેંસદ ખાડા વિસ્તારમાં પૂણા નદીના પાણી ફળી વળ્યા છે.શહેરના ગધેવાન, મોરલો, જૂની મચ્છી માર્કેટ, કમેલા દરવાજા, રંગુન નગર, મિથિલા નગરી, શાંતાદેવી રોડ સહિતના વિસ્તારોમાં કેડથી લઈને ગળાસમા પાણી ભરાયા છે. જેથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ​​​​​​​નવસારીની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. શહેરના કાલિયાવાડી વિસ્તારમાં આવેલી શાંતિવન એક સોસાયટીમાં કેડ સમાં પાણી ભરાતા અનેક લોકો ઘરના પહેલા માળે રહેવા મજબૂર બન્યા છે.
 
નવસારી શહેરમાં 2200 લોકોને સ્થળાંતરિત કરી શેલ્ટર હોમમાં મોકલાયા
પૂર્ણા નદીની જળ સપાટી વધવાની શક્યતાને જોતા તંત્ર દ્વારા લોકોને સહયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.નવસારી-સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર પણ પૂર્ણા નદીના પાણી ફરી વળ્યાં છે. જેથી આ સ્ટેટ હાઈવેને બંધ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ નવસારી શહેરની સુરત સાથેની કનેક્ટિવિટી બંધ થઈ છે. નવસારીમાં પૂરની સ્થિતિને લઈને જિલ્લા કલેક્ટરે ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું કે, પૂર્ણા નદીની ભયજનક સપાટી વટાવી ચુકી છે. નવસારી શહેરમાં 2200 લોકોને સ્થળાંતરિત કરી શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. આ શેલ્ટર હોમમા લોકોની સુરક્ષા માટે 15 મેડિકલ ટીમ તહેનાત છે. 10 જેટલી ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે. શહેરમાં પૂર પ્રભાવિત 17 જેટલા રોડ રસ્તાઓને બંધ કરવામાં આવ્યાં છે.