સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 એપ્રિલ 2018 (14:17 IST)

રાહુલ ગાંધી અમદાવાદમાં વિશાળ રેલીને સંબોધન કરે તેવી શક્યતાઓ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અસંગઠીત મજદુર કોંગ્રેસ સમિતિના ચેરમેનપદે અશોક પંજાબીની નિમણૂક કરાઈ છે. સંભવત આગામી ૨૭મીએ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને  અમદાવાદ આવવાનું આમંત્રણ અપાશે અને વિશાળ કામદાર રેલીને તેઓ  સંબોધન કરે તે માટેના પ્રયાસો આદરાયા હોવાનું પ્રદેશ કોંગ્રેસ સૂત્રોમાં ચર્ચાય રહ્યુ  છે. આગામી ૨૦૧૯ની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મજબુત બનાવવાના ચક્રો ગતિમાન કરાયા છે અને તેના અનુસંધાને અન્વયે  યોગ્ય નિમણૂકોનો દોર આદરાયા છે. ગુજરાત પ્રભારી રાજીવ સાતવ પ્રદેશ કાર્યાલય ખાતે અડીંગો જમાવી કોંગ્રેસને રાજ્યમાં સક્રીય અવસ્થામાં મુકી દેવા અભિયાન આદરાયુ છે. ગઈકાલે અસંગઠીત મજદુર સમિતિના ચેરમેનપદે અશોક પંજાબીની નિમણૂક કરાયા બાદ અસંગઠીત કામદારોનું મજબુત સંગઠન બનાવવા પ્રયાસો આદરાયા છે. જાણવા મળતી વિગતો મુજબ રાજ્યભરના અસંગઠીત મજદુર, કામદારો, ફીકસ પગારદારો, હીરાના કારીગરો, તમામ ઔદ્યોગીક વસાહતોના ઈન્ડસ્ટ્રીય મજદુરોને સંગઠીત કરવા માટેનું ભગીરથ કાર્ય આરંભી દેવામાં આવ્યુ છે. પ્રદેશ લોબીમાં કોંગી સૂત્રો એવુ ચર્ચી રહ્યા છે કે, સંભવત ૨૭મીએ અમદાવાદ ખાતે અસંગઠીત કામદારોની એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવશે અને તેને સંબોધન માટે રાહુલ ગાંધીને નોતરવામાં આવશે. ૨૭મીએ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવે તે માટે પ્રયાસોનો ધમધમાટ આદરી દેવાયો છે. જો દિલ્હી ખાતે કોઈ અગત્યનું રોકાણ નહી હોય તો ૨૭મીએ રાહુલ ગાંધી અમદાવાદ આવી શકે છે. દરમ્યાન મળતા અહેવાલો મુજબ અસંગઠીત મજદુર કોંગ્રેસના ચેરમેન પદે વરાયેલા અશોક પંજાબીની ટીમમાં હજુ ત્રણથી ચાર કોંગી આગેવાનોની તમામ ઝોનમાંથી પસંદગી થશે અને રાજ્યના તમામ મુખ્ય શહેરમાં અસંગઠીત કામદારોને સંગઠીત કરવા માટેની ગતિવિધિઓ ત્વરીત ગતિએ આરંભી દેવાશે. રાજ્યની તમામ ઔદ્યોગીક વસાહતો, હીરાના કારીગરો, સરકારી - અર્ધ સરકારી ગેસ્ટ હાઉસોના હંગામી કે ફીકસ વેતનના કામદારો સહિત તમામ અસંગઠીત કામદારોને સંગઠીત કરી તેમના હીતો અને હક્કોની રક્ષા કરવા માટે પ્રયાસો આદરાશે. ટૂંકમાં અગાઉના ઈન્ટુક જેવુ જ સંગઠન બનાવવામાં આવશે.