બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 ઑગસ્ટ 2021 (08:01 IST)

અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ; શહેરીજનોને બફારામાંથી રાહત

લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. શહેરના અનેક વિસ્તારમાં ઘણાં સમય બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. કાલુપુર, દિલ્હી ચકલા, શાહપુર, દરિયાપુર સહિતના પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સરખેજ, નરોડા પાટિયા સહિતના વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

વરસાદ પડતાંની સાથે જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેને લઇને શહેરીજનોને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે.ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ મેઘરાજા રિસાયા હોય એમ લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનાના 16 દિવસ વીત્યા હોવા છતાં હજુ સુધી સારો વરસાદ પડ્યો નથી, જેને લઈને ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા છે. બીજી બાજુ, ઉત્તર ભારતમાં ભારે વરસાદથી ગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જોકે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ રહ્યું હોવાની આગાહી સ્કાઅમેટ દ્વારા કરાઈ છે. એ મુજબ 17 અને 18 ઓગસ્ટથી ગુજરાત તથા રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે.ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટની આગાહી મુજબ, 17મી ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, એ પશ્ચિમ તરફ આગળ વધશે. પરિણામે, 17 અને 18મી ઓગસ્ટે રાજસ્થાન સાથે ગુજરાતના અમદાવાદ, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર તથા અમરેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સાથે જ 21 અને 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે.

વરસાદ ખેંચાતાં 1લી જૂનથી 13 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની 49 ટકા ઘટ છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં 46 ટકા વરસાદની ઘટ હોવાનું સ્કાઇમેટનું કહેવું છે. ગુજરાત સાથે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ તથા રાજસ્થાનમાં પણ મોન્સૂન સક્રિય થવાની સંભાવના સ્કાઇમેટે દર્શાવી છે.