રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 જૂન 2017 (11:52 IST)

ઉત્તર ગુજરાત સહિત રાજકોટમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ

રાજકોટમાં ગુરૂવારે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. શહેરમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. ભારે પવન ફૂંકાતા શહેરમાં લોકોને હાલાંકી ભોગવવી પડી હતી. શહેરમાં બે કલાકમાં કડાકા સાથે 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.  રાજકોટ મનપાને પાણી ભરાવાની 38 ફરિયાદો મળી હતી. તો સાધુ વાસવાણી રોડ સહકાર મેઈન રોડ, યુનિવર્સિટી રોડ, નીલકંઠ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, રેસકોર્સ રિંગ રોડ અને જૂના મોરબી રોડ પર વૃક્ષો તૂટી પડતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ભારે પવનને કારણે ત્રિકોણબાગ, માધાપર ચોકડી, ગોંડલ રોડ ચોકડી સાધુ વાસવાણી રોડ તથા પ્રેમમંદિર પાસે હોર્ડિંગ્સ ધરાશાયી થઈ ગયા હતા. છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી આકાશમાંથી વરસતી અગનવર્ષામાં સેકાયને ત્રાહિમામ થઈ ગયેલા નગરજનો પર ગુરુવારની સાંજે મેઘરાજાની શિતળકૃપા વરસી હતી. સંધ્યાની આભા લાંઘીને વાદળો ક્ષિતિજના શિખર પર ડોક્યા કરવા લાગ્યા હતા. ઘડીભરમાં તો કાળા ડિબાંગ વાદળોએ આકાશનો કબ્જો લઈ લીધો હતો અને ત્યારબાદ મેઘરાજા વરસ્યા, અનરાધાર વરસ્યા, તોફાની પવનની કાંખે અંધાધૂંધ વરસ્યા અને નગરજનોના મનડાં મોર બની થનગાટ કરવા લાગ્યા અચાનક આવેલા વરસાદને કારણે હજારો રાહદારીઓ રસ્તા પર અટવાયા હતા. પણ, કોઈના ચહેરા પર ફરિયાદ નહોતી.  હજારો લોકો મેઘરાજાને આવકારવા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચોમાસાના સત્તાવાર બેસણાં પહેલાના આ પ્રથમ ધોધમાર વરસાદને અબાલ-વૃધ્ધોએ હૈયાના હેતથી આવકાર્યો હતો. શહેર અને શહેરીજનોના હૈયા પુલકિત થઈ ઊઠ્યા હતા.