શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 જુલાઈ 2017 (15:52 IST)

Rajkot News - રાજકોટ અને ધોરાજીમાં ભારે વરસાદ, રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં

ગુજરાતમાં થોડાક વિરામ બાદ ફરીવાર મેઘરાજાએ તરબોળ કરી દીધું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ધોરાજીમાં ભારે પધરામણી કરી છે. રાજકોટ શહેર અને ધોરાજી પંથકમાં આજે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો. ધોધમાર વરસાદને પગલે માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.  લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી.

વિરામ બાદ વરસાદને પગલે ખેડૂતોના મુરઝાતા પાકને જીવતદાન મળશે. જગતનો તાત ખુશ છે ત્યારે નાના ભૂલકાઓ પણ મેઘરાજાની શાહી સવારીને આવકારતા હોય તેમ છબછબીયા કરીને વધામણાં કરી રહ્યા હતા. બપોરના સમયે ગોંડલ પંથકમાં ઝાપટું પડ્યું હતું. જેના પગલે ઉકળાટમાં રાહત થઈ હતી. જ્યારે રાજકોટના કેટલાક વિસ્તારોમાં ઝાપટું પડ્યું હતું. ત્યારબાદ શહેરમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. માર્ગો પર પાણી ફરતાં વાહનો લઈને જતાં લોકોએ કાળજી રાખવી પડી હતી. ઠેરઠેર પાણી ભરાયા હતા.