શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (12:16 IST)

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારે પક્ષ સાથે દગો કરીને ફોર્મ પાછુ ખેંચી ભાજપમાં જોડાણ કર્યું

રાજકોટના રાજકારણમાં લોકશાહી મૂલ્યો તો દૂર, માંડ ટકેલી ચૂંટણી પ્રણાલીના આજે ધજ્જીયા ઉડયા હતા. યેન કેન પ્રકારેણ સત્તા મેળવવામાં અને જાળવવામાં અંધ બનીને સ્વાર્થી નેતાઓએ આજે ઉમેદવાર-પક્ષને ચૂંટવાના, વોર્ડના ૫૮ હજાર મતદારોના અધિકારને જ પરોક્ષ રીતે આંચકી લીધો હતો.
મનપાના વોર્ડ નં.૧૩ની એક બેઠકની આગામી તા.૨૭ના યોજાનાર પેટાચૂંટણીમાં કોંગ્રેસે જેને અનેકમાંથી પોતાના ઉમેદવાર તરીકે પસંદ કરીને ટિકીટ અને મેન્ડેટ આપ્યા તે નરશી પટોળિયાએ આજે ભાજપના સાથથી ઉમેદવારી પાછી ખેંચીને ભાજપમાં ભળી જતા કોંગ્રેસ લાચાર સ્થિતિમાં મુકાઈ ગઈ છે તો ઘટનાક્રમથી લોકશાહી ચીંથરેહાલ થઈ હતી.
મતદારો જેને વધુ મત આપે તે જીતે તે લોકશાહી પ્રણાલી છે. પરંતુ, રાજકોટમાં વ્યવસાયે શિક્ષક, અને શિક્ષીત એવા કોંગ્રેસના ઉમેદવાર નરશી પટોળિયાએ એક તરફ વોર્ડમાં તેના ફોટા સાથેના પોસ્ટરો લાગ્યા અને તેના નામનો પ્રચાર થતો હતો ત્યારે ભાજપના ઉમેદવાર નિતીન રામાણીની જીત આસાન કરવા પોતે ચૂંટણીમાંથી હટી જઈને ભાજપમાં ભળી ગયા હતા.
રામાણી મૂળ ભાજપમાંથી ઈ.૨૦૧૫માં કોંગ્રેસમાં ભળ્યા અને કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. બાદમાં પક્ષ સામે બળવો પોકારી રાજીનામુ આપી ભાજપમાં ભળી જતા આ પેટાચૂંટણી પ્રજા પર આવી હતી.
વોર્ડ-૧૩માં હવે કોંગ્રેસના કોઈ ઉમેદવાર જ ચૂંટણી જંગમાં નથી રહ્યા. કારણ કે મેન્ડેટ પટોળિયાને મળ્યો હોય કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ આપોઆપ જ રદ થાય છે. આમ, લોકો કોંગ્રેસ-ભાજપ બેમાંથી કોને હરાવવા અને કોને જીતાડવા તેનો નિર્ણય આપી ન શકે તેવી સ્થિતિ સત્તાલક્ષી નેતાઓએ સર્જી દીધી છે.
ઘટનાક્રમ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર  કોંગ્રેસના નેતાઓ પટોળિયાને જીતાડવા માટે વોર્ડમાં ગત રાત્રિ સુધી પ્રચાર કરતા હતા, ગઈકાલે તો વોર્ડમાં કોંગ્રેસનું ચૂંટણી કાર્યાલય ધામધૂમથી ખોલાયું અને તેમાં આ ઉમેદવારે ભાજપની અને નિતીન રામાણીની આકરા શબ્દોમાં ઝાટકણીં પણ કાઢી હતી.  કોંગી નેતાઓ કહે છે રાત્રિના અગિયાર સુધી બધ્ધુ બરાબર હતું, રાત્રિના ગમે તે 'વહીવટ' કરાયો, સામ,દામ,દંડ,ભેદ જે પણ થયું પણ સવારે ૮ વાગ્યે નરસી પટોળિયા ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા.
અશોક ડાંગર સહિત કોંગ્રેસના નેતાઓએ ફોન કરતા ફોન રીસીવ ન થયો અને બંધ થઈ ગયો.  આથી વોર્ડના કોંગ્રેસી નેતા પ્રભાત ડાંગરને તેમના ઘરે મોકલ્યા અને પટોળિયાના પત્નીના ફોન પરથી તેમને ફોન કરાતા ફોન ઉપડયો અને કોંગ્રેસના નેતા ઘરે આવ્યા છે કહેતા ફોન કટ થયો અને પછી બંધ થઈ ગયો.  પટોળિયા પલ્ટી મારશે તેવી ગંધ આવતા કોંગી નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યાં તો ઉઘડતી ઓફિસે જ તેણે ફોર્મ પાછુ ખેંચી લીધુ હતું. અને ત્યાંથી રવાના થઈ ગયા હતા.