શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 જાન્યુઆરી 2021 (15:44 IST)

રાજકોટમાં ખોટો દસ્તાવેજ બનાવી બે ભૂમાફિયાએ 73 લાખમાં કરોડોની કિંમતની સરકારી જમીન બારોબાર વેચી મારી

રાજકોટ જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં બે ભૂમાફિયાએ મોટા મવાની સર્વે નં.135/1ની 5 એકર, 9 ગુંઠા જમીનને અડીને આવેલી સરકારી ખરાબાની સર્વે નં.180 જમીનનો મામલતદારના નામે ખોટા સહી સિક્કા બનાવી ખોટો દસ્તાવેજ બનાવ્યો હતો. આ જમીન 73 લાખમાં બારોબાર તંત્રને ગંધ પણ ન આવી અને વેચી નાખી હતી. પરંતુ ખરીદનારને કૌભાંડ અંગે જાણ થતા કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને તાલુકા મામલતદારે તપાસ કરતા સ્ફોટક વિગત બહાર આવી અને તાલુકા પોલીસે લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ બંને શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. રાજકોટ તાલુકા મામલતદાર કે.એમ.કથિરીયાએ તાલુકા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 12 જાન્યુઆરીએ કલેકટર કચેરી ખાતે અરજદાર અશ્વિનભાઈ ધીરૂભાઇ પરસાણાએ એક લેખિત અરજી આપી હતી. જેમાં જણાવાયું હતું કે મોટા મવા સર્વે નં.135/1ની 05 એકર, 9 ગુંઠા જમીનને અડીને આવેલી સરકારી ખરાબાના સર્વે નં.180 પૈકીની જમીન આપવા બાબતે તેની સામે છેતરપિંડી થઇ છે. જે બાબતે તપાસ કરતા અશ્વિનભાઇએ એકાદ વર્ષ પહેલા 17 જાન્યુઆરી 2020ના રોજ સર્વે નં.180 પૈકીની જમીન મેળવવા કેતનભાઇ વોરાનો સંપર્ક કર્યો હતો. કેતને તેની મુલાકાત બહાદુરસિંહ નામના વ્યકિત સાથે કરાવી હતી.કેતન અને બહાદૂરસિંહે અશ્વિનભાઈને છેતરવાનો પ્લાન બનાવ્યો અને આ સરકારી જમીન ખેતીના હેતુ માટે અપાવી દેવાની લાલચ આપી હતી. બાદમાં મહેસુલ વિભાગ, કલેકટરના હુકમો, ગામ નમૂના નંબર, મામલતદાર કચેરીના કાગળો, નેશનલ ઈન્ફરમેટિક સેન્ટરના ખોટા દસ્તાવેજો બનાવી ટૂકડે ટૂકડે અશ્વિનભાઈ પાસેથી રૂ.73,00,000 જેવી રકમ પડાવી લીધી હતી. તપાસ રિપોર્ટ કલેકટરને અપાતા તેમને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા આદેશ કર્યો હતો. અશ્વિનભાઈએ રૂપિયા આપ્યા તેના વીડિયો રેકોર્ડિંગ પણ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સમક્ષ રજુ કર્યા હતા.ફરિયાદના આધારે તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી. ધોળાએ આરોપી બહાદુરસિંહ માનસિંહ ચૌહાણ (રહે. અમરનગર શેરી નં.2 મવડી એરીયા ચંદ્રેશનગર મેઇન રોડ), કેતન વોરા (રહે. સંસ્કાર સી ટી મવડી પાળ રોડ, અમૃત ઓટો ગેરેજ) અને તપાસમાં ખુલે તે વ્યક્તિઓ સામે આઈપીસી કલમ 406, 420, 465, 468, 471, 114, તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020ની કલમ 4(1), 4(2), અને 5(ગ)મુજબ ગુનો દાખલ કર્યો છે. આ મામલે એસીપી ગેડમએ વધુ તપાસ હાથ ધરી છે.