સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ , બુધવાર, 8 મે 2024 (16:14 IST)

રૂપાલાએ ફરી ક્ષત્રિયોની માફી માગીઃ કહ્યું, મારા કારણે વડાપ્રધાનને સાંભળવું પડ્યું

rupala
rupala
 લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ મતદાન પૂર્ણ થયા બાદ આજે ફરી ક્ષત્રિય સમાજની માફી માગી છે. તેમણે જણાવ્યું હતું કે, મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કાઠા સમયમાંથી પસાર થયો છું. મારા એક નિવેદનને કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટા વમળો સર્જાયા છે. એ મારું નિવેદન હતું, સમગ્ર ઘટનાનો કેન્દ્રબિંદુ પણ હું જ હતો. તેના કારણે ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી તેના કારણે ભાજપ પક્ષ તેમાં લપેટાઈ ગયો. એક સમયે મારા નિવેદન મારી પાર્ટી માટે પ્રેરણારૂપ અને પ્રોત્સાહક રહેતા હતાં. પરંતુ આ વખતે મારા નિવેદનને કારણે સમગ્ર ભાજપ પક્ષ દ્વિધામાં મુકાયો હતો. 
 
ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગુ છું
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, મારા નિવેદન બદલ ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પણ દિલગીરી વ્યક્ત કરી હતી. પરંતુ હું પણ માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર. તે વખતે મેં પણ ક્ષત્રિય સમાજની માફી માગી હતી. પરંતુ હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કોઈ રાજકીય વિષય નથી. આજે ફરી ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગુ છું. મારા કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જે સાંભળવું પડ્યું હશે તે પણ મારા માટે ખૂબ જ પીડાદાયક અને કષ્ટદાયક છે.મારા કારણે ક્ષત્રિય સમાજના મારા સાથીદારોને પણ સાંભળવાનું આવ્યું તે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું.
 
હું જ જવાબદાર છું અન્ય કોઈ પણ નહીં
રૂપાલાએ જણાવ્યું હતું કે, હું આ ઘટનાનો કેન્દ્ર બિંદુ છું. જેથી હું ક્ષત્રિય સમાજની સંકલન સમિતિને મળીશ એવું કહેવું અનુચિત રહેશે. મારા પક્ષના ક્ષત્રિય સમાજ અને ભાજપના આગેવાનોનો એ નિર્ણય રહેશે. ક્ષત્રિય સમાજ અંગેનું નિવેદન ઘટના એ મારા કારણે હતી અને તેના માટે હું જ જવાબદાર છું અન્ય કોઈ પણ નહીં. ઓછા મતદાનથી માત્ર ભાજપ જ નહીં પરંતુ વિરોધ પક્ષને પણ અસર થતી હોય છે. મતદાતાઓમાં નિરુત્સાહને કારણે મતદાન ઓછું થયું હોય તેવું બને. આ ઉપરાંત બરાબરની સ્પર્ધા ન હોય તો મતદાન ઓછું થયું હોય તેવું બને. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત ધારાસભા અને લોકસભામાં એક સરખું મતદાન થતું નથી.
 
'શાંતિપૂર્ણ મતદાન બાદ ક્ષત્રિય સમાજનો આભાર માન્યો
સૌરાષ્ટ્રમાં શહેર ગામડાઓમાં વર્ષોથી ક્ષત્રિય અને પાટીદાર સમાજ હળી મળીને રહે છે, પરંતુ ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ પરિસ્થિતિ બદલાઈ હોવા અંગે પૂછતાં પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ સમાજ વચ્ચે સમરસતા કેળવાય તે જરૂરી છે. મારા એક નિવેદનને કારણે સામાજીક સ્વરૂપ ન આપવું જોઈએ. ક્ષત્રિય સમાજ માટે મારામાં પહેલા પણ કટુતા ન હતી અને આજે મતદાન બાદ પણ કટુતા નથી.તેમણે કહ્યું કે,મતદાનમાં કોઈ પણ પ્રકારના અવરોધો ક્ષત્રિય સમાજ દ્વારા ઉભા કરવામાં નથી આવ્યા, તે બદલ હું તેમનો આભારી છું.જ્યારે 5 લાખની લીડ બાબતે કહ્યું કે, લીડવાળી ભવિષ્યવાણીની સ્કીમમાં હું પહેલેથી જોડાતો નથી.