સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 13 નવેમ્બર 2020 (10:57 IST)

વાલીઓએ પોતાની જવાબદારીએ મોકલવાના રહેશે સ્કૂલે ! શિક્ષણમંત્રી ભુપેદ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં શાળાઓ તા.ર૩મી નવેમ્બરથી શરૂ થાય ત્યારે વિદ્યાર્થીના શાળામાં આવવા અંગેની સંમતિ-મંજૂરી માતા-પિતા કે વાલી પાસેથી લેવાની બાબત ભારત સરકારની માર્ગદર્શિકા S.O.P અનુસાર જ રાખવામાં આવી છે. આ સંદર્ભમાં શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ભારત સરકારે શાળા-કોલેજો પૂર્વવત શરૂ કરતી વેળાએ વિદ્યાર્થીને શાળામાં મોકલવા અંગેની અનુમતિ તેના માતા-પિતા કે વાલી પાસેથી મેળવવા તમામ રાજ્યો માટે જારી કરેલી S.O.Pમાં જ દર્શાવેલું છે.
 
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર વિદ્યાર્થીની સલામતિ-આરોગ્યરક્ષા અંગે કોઇ બાંધછોડ કરવા માંગતી નથી કે જવાબદારીમાંથી છટકવા પણ માંગતી નથી જ.  સમગ્ર દેશમાં જ્યારે ભારત સરકારે શિક્ષણ સંસ્થાઓ ખોલવા માટે જાહેર કરેલી S.O.Pનો અમલ થઇ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે પણ તેને અનુસરવાનો નિર્ણય કરેલો છે.
 
શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, વિદ્યાર્થીના સ્વાસ્થ્યની રક્ષા તેમજ શિક્ષણ બાબતે સરકાર, શાળા સંચાલકો, સમાજ, માતા-પિતા વાલી સૌ જવાબદાર છે. સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે તેવી ગેરસમજ દુર થાય તે પણ જરૂરી છે. ભૂપેન્દ્રસિંહએ કહ્યું કે, શાળા-કોલેજો ફરીથી કાર્યરત કરવાના નિર્ણયો ગુજરાત સિવાયના અન્ય રાજ્યોએ તો સપ્ટેમ્બર-ઓકટોબર મહિનાથી જ કરેલા છે.
 
તેમણે જણાવ્યું કે, વિવિધ રાજ્ય સરકારોના શિક્ષણ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને જ ગુજરાત સરકારે યોગ્ય નિર્ણય કરેલો છે. શિક્ષણ મંત્રીએ દેશના જે રાજ્યોમાં શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે તેની વિસ્તૃત વિગતો પણ આપી હતી. 
 
ITI, પોલિટેકનિક કોલેજ પણ 23 નવેમ્બરથી ચાલુ કરવામાં આવશે. કોલેજ-યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ-પેરામેડિકલ કોલેજો શરૂ કરાશે. શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહીં ગણાય. એ માટે વાલીઓની સહમતિ સંસ્થાઓએ મેળવવાની રહેશે. સ્કૂલો-કોલેજોમાં સાબુથી હાથ ધોવાની વ્યવસ્થા તેમજ સેનેટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સિંગની વ્યવસ્થા શાળાના આચાર્યએ કરવાની રહેશે. દરેક વિદ્યાર્થીઓને તેમના વાલીની સંમત્તિ માટેનું ફોર્મ આપવાનું રહેશે.
 
શિક્ષણ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોએ ગુજરાતથી પહેલાં પોતપોતાના રાજ્યોમાં ધોરણ ૯ થી ૧ર ના વર્ગો ફરી શરૂ કરેલા છે. 
ગુજરાતે આ બધી જ બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ તેમજ ગહન પરામર્શ બેઠકો બાદ વિદ્યાર્થીઓના આરોગ્ય હિતને અહેમિયત આપીને ભારત સરકારની S.O.Pના નિયમોના અનુપાલન સાથે આગામી તા.ર૩ નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.