1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 નવેમ્બર 2021 (11:13 IST)

ગાંધીનગર જિલ્લામાં આજથીથી ૨૦ મી નવેમ્બર સુધી આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાશે, આરંભ અડાલજ ખાતેથી કરાશે

સમગ્ર રાજયમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત  તા.૧૮ નવેમ્બરથી ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આરંભ થનાર છે. આ ત્રિદિવસીય યાત્રા દરમ્યાન ગાંધીનગર જિલ્લામાં રૂપિયા ૪૧ હજાર લાખથી વધુ રકમના વિવિધ કામોનું લોકાર્પણ- ખાતમુર્હૂત અને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવશે.
 
રાજય સરકાર દ્વારા ૧૧ જુદા જુદા વિભાગોને સાંકળીને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને વિવિધ વિભાગના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવા માટે તા. ૧૮ થી ૨૦ નવેમ્બર, ૨૦૨૧ દરમ્યાન ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાનાર છે.
 
આ યાત્રા અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ –૨૮ સીટ અનુસાર રૂટ બનાવવામાં આવ્યા છે. આ ૨૮ સીટ માટે કુલ બે રથ ગાંધીનગર જિલ્લામાં ફરશે. જે અંતર્ગત રથ- ૧ ગાંધીનગર જિલ્લા પંચાયતની ૧૫ સીટ અને રથ- ૨ જિલ્લા પંચાયતની ૧૩ સીટ ખાતેના ગામોમાં ફરી શકે તેવા રૂટ બનાવવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આરંભ અડાલજ ગામ ખાતેના જગન્નાથ મંદિર ખાતેથી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલસિંહ રાજપુત ઉપસ્થિત રહીને રથને પ્રસ્થાન કરાવશે.
 
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર આત્મનિર્ભર ગ્રામ યાત્રાના આરંભ પ્રસંગે સવારના ૮ થી ૮.૩૦ કલાક દરમ્યાન ગ્રામજનો, શિક્ષકો, આંગણવાડીકાર્યક્ર, આશા બહેનો, સખી મંડળ, યુવક મંડળ, નિગરાની સમિતિ, પાણી સમિતિ દ્વારા સ્વચ્છતા અંગે જન જાગૃતિ રેલી યોજાશે. તેમજ સવારના ૮.૩૦ થી ૯.૧૫ કલાક દરમ્યાન શાળાઓ, પંચાયત ધર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, બેંક, દૂધ મંડળી, પશુ દવાખાના, સબ સેન્ટર, વેલનેસ સેન્ટરઅને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સફાઇ કરવામાં આવશે. 
 
ત્યારબાદ મહાનુભાવોની ઉપસ્થિતમાં સવારના ૯.૩૦ કલાકથી સ્ટેજ કાર્યક્રમનો આરંભ થશે. આ કાર્યક્રમ દરમ્યાન ખેડા ખાતેથી આ યાત્રાનો આરંભ કરાવનાર રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સ્પીચનું પ્રસારણ કરવામાં આવશે. રથ પ્રસ્થાનઅને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન- સહાયનું વિતરણ કરવામાં આવશે.
 
ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ સીટમાં સમાવેશ થતાં કુલ- ૧૫૦ ગામોમાં આ બન્ને આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથો જશે. જેમાં ગાંધીનગર તાલુકાની ૮ સીટના ૪૪ ગામો, દહેગામ તાલુકાની ૭ સીટના ૪૦ ગામો, કલોલ તાલુકાની ૬ સીટના ૩૬ ગામો અને માણસા તાલુકાના ૭ સીટના ૩૦ ગામોમાં આ રથ જશે.
 
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દેવાંગીબેન દેસાઇએ વધુમાં જણાવ્યું હતું કે, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર ત્રિ- દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમ્યાન રૂપિયા ૮૮૫ લાખ જેટલી રકમના ૩૯૪ વિવિક વિકાસ કામોના લોકાર્પણ કરવામાં આવશે. તેમજ રૂપિયા ૮૩૬ લાખથી વધુ રકમના ૧૨૮૨ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 
 
આ યાત્રા દરમ્યાન જિલ્લમાં વિવિધ યોજના અંતર્ગત ૬૨૨ લાભાર્થીઓને રૂપિયા ૪૦ હજાર લાખથી વધુ રકમની સાધન- સહાયનું વિતરણ કરવામાં આવશે. આ યાત્રા દરમ્યાન કૃષિ વિભાગના વિવિધ યોજના અંતર્ગત ૭૧ લાભાર્થીઓને ૩૫ લાખથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત શેરી નાટક, પશુ સારવાર કેમ્પઅન્ય વિવિધ કાર્યક્રમ યોજાશે. યાત્રા જે ગામે જશે, ત્યાં સરકારની ફલેગશીપ યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.