રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ Lalo ના પ્રમોશન દરમિયાન ભાગદોડ જેવી પરિસ્થિતિ, સામે આવ્યો ભયાનક VIDEO
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગુજરાતી ફિલ્મ "લાલો" ના પ્રમોશનલ કાર્યક્રમ દરમિયાન ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના વીડિયો સામે આવ્યા છે. ચાહકોના અચાનક ઉછાળાથી મોલની સુરક્ષામાં ખલેલ પહોંચી હતી, જેના કારણે બાઉન્સર અને સુરક્ષા કર્મચારીઓ ભીડને કાબૂમાં કરી શક્યા ન હતા. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ક્રિસ્ટલ મોલ પહોંચી ગઈ હતી. જ્યારે કોઈ ઈજાના અહેવાલ નથી, તો પણ આવા કાર્યક્રમોમાં સુરક્ષા વ્યવસ્થાપન પર ચોક્કસ પ્રશ્નો ઉભા થયા છે.
આ દરમિયાન મોલની ઈલેક્ટ્રિક સીડી (એસ્કેલેટર) પાસે સૌથી જોખમી સ્થિતિ ઉભી થઈ. ભીડના દબાણ વચ્ચે એક નાની બાળકી પગથિયા પરથી પટકાઈ ગઈ હતી. ઘટના એટલી અચાનક બની કે આસપાસના લોકો ભયભીત થઈ ગયા. જો કે હાજર રહેલા બે સજાગ વ્યક્તિઓએ તરત જ આગળ આવી બાળકીનો હાથ પકડી તેને નીચે સરકી જવાથી બચાવી લીધી. સમયસર મળી આવેલી મદદના કારણે બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો.
આ ઘટનાએ જાહેર કાર્યક્રમોના આયોજનની સુરક્ષા અને વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોય ત્યારે સુરક્ષા અને વ્યવસ્થાના પૂરતા બંદોબસ્તની જવાબદારી મોલ ઓથોરિટી અને કાર્યક્રમના આયોજકોની હોય છે, પરંતુ આ કિસ્સામાં તેમની ઘોર બેદરકારી સામે આવી છે.
પ્રમોશન ઈવેન્ટના આયોજનમાં યોગ્ય વ્યવસ્થા ન કરવા બદલ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. ભીડ નિયંત્રણ, સુરક્ષા ગાર્ડ અને એન્ટ્રી-એક્સિટ મેનેજમેન્ટ પૂરતું ન હોવાથી અફરાતફરી સર્જાઈ હોવાનું લોકો કહે છે. પરિસ્થિતિ ખરાબ બનતી જોઈ લાલો ફિલ્મના કલાકારો એ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જનસમૂહ વધુ અકળાઈ ન જાય એ હેતુથી ત્યાંથી ચાલતા થયા હતા.