રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 નવેમ્બર 2023 (14:43 IST)

ગરુડેશ્વર ગામના પુલ ઉપરથી પ્રેમી-પંખીડાંએ નર્મદા નદીમાં છલાંગ મારી મોતને વહાલું કર્યું

Latest News on Garudeshwar
Latest News on Garudeshwar
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે આવેલા ગરુડેશ્વર ગામના પુલ ઉપરથી પ્રેમી-પંખીડાંએ નર્મદા નદીમાં છલાંગ મારી મોતને વહાલું કર્યું હતું. ઘટનાને લઈ લોકોનાં ટોળેટોળાં નર્મદા નદી કિનારે ઊમટી પડ્યાં હતાં. યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં હતાં અને બંનેનાં લગ્ન માટે પરિવારજનો રાજી ના હોવાથી તેમણે આ પગલું ભર્યું હતું. આપઘાત પહેલાં યુવક-યુવતીએ એક વીડિયો બનાવી કહ્યુ, અમારી ઈચ્છાથી અમે મરવા માગીએ છીએ. હવે અમારે નથી જીવવું, અમારે ભેગું રહેવું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગરુડેશ્વરના બ્રિજ ઉપરથી ગતરોજ પ્રેમી યુવક-યુવતીએ નર્મદા નદીમાં મોતનો ભૂસકો માર્યો હતો. પુલ ઉપરથી નીચે પાણીમાં પટકાતાં બંને યુવક-યુવતીનાં મોત નીપજ્યાં હતાં. યુવાનનું નામ ગંગારામ નવીન તડવી અને યુવતીનું નામ હિનાબેન દિનેશભાઈ તડવી જાણવા મળ્યું છે. આ બનાવની જાણ આસપાસનાં ગ્રામજનોને તેમજ અવરજવર કરતા લોકોને થતાં લોકોનાં ટોળેટોળાં પુલ સહિત નર્મદા નદી કિનારે ઊમટી પડ્યાં હતાં. મૃત્યુ પામેલાં આ પ્રેમી-પંખીડાંએ મોતની છલાંગ લગાવતાં પહેલાં પોતાના ફોનમાં એક વીડિયો ઉતાર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે 'અમે અમારી ઈચ્છાથી મારવા માગીએ છીએ. હવે અમારે નથી જીવવું, અમારે ભેગું રહેવું છે. એકબીજાથી અલગ રહેવા નથી માગતાં. લવ યુ મમ્મી-પપ્પા.' યુવક-યુવતીએ નર્મદા નદીમાં પુલ ઉપરથી ભૂસકો માર્યાની ગરુડેશ્વર પોલીસને જાણ થતાં તાત્કાલિક ગરુડેશ્વર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તરવૈયાઓની મદદથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જોકે મૃતક યુવક-યુવતીના વારસદારો પોલીસ સમક્ષ આવ્યા બાદ લાશોની ઓળખ થઈ હતી. યુવક વાઘરાલી ગામનો અને યુવતી કોસમિયા ગામની હોવાનું જાણવા મળ્યું છે. બંને યુવક-યુવતી વચ્ચે પ્રેમપ્રકરણ હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.