શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 ઑક્ટોબર 2018 (12:35 IST)

ઘોર કળયુગઃ સુરતમાં પાંચ વર્ષની બે માસુમ બાળાઓ પર બે શખ્શોએ દુષ્કર્મ આચર્યું

સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષની બે બાળકીઓ સાથે બે શખ્સોએ દુષ્કર્મ કર્યાના બે જુદા-જુદા કેસ નોંધાયા છે. એક કેસમાં પોલીસે 5 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કરનારા 19 વર્ષીય મજૂરને ઝડપી પાડ્યો છે તો બીજા કેસમાં હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી. બળાત્કારનો ભોગ બનેલી બંને બાળકીઓને ગંભીર ઈજાઓ થઈ છે. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસે રોશન ઉર્ફે કાલુ ભૂમિહર નામના શખ્સને તેના ઘરેથી ઝડપી પાડ્યો. આરોપીએ નવાગામથી બાળકીનું અપહરણ કરી તેની સાથે પાશવી કૃત્ય કર્યું.બાળકી શનિવારે બપોરે પોતાના ઘરની બહાર રમી રહી હતી ત્યારે કાલુએ તેનું અપહરણ કર્યું. આરોપી અને પીડિતા બંને ડિંડોલી વિસ્તારના જ રહેવાસી હોવાથી પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો. આરોપી પીડિતાને અંબિકાનગરમાં આવેલા ખુલ્લા પ્લોટમાં લઈ ગયો જ્યાં જમીનમાં નાખવા માટે લવાયેલી વિશાળ પાઈપમાં લઈ જઈ બળાત્કાર કર્યો. આ દરમિયાન બાળકી ગુમ થતાં તેના માતા-પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી. બાળકીના માતા-પિતા પણ મજૂરી કામ કરે છે.એક પોલીસ અધિકારીએ કહ્યું કે, “ફરિયાદ મળતાં જ આશરે 150 જેટલા પોલીસકર્મીઓ બાળકીઓને શોધવામાં લાગ્યા. રવિવારે રાત્રે અઢી વાગે બાળકી દુષ્કર્મ સ્થળેથી જ મળી આવી. જો પોલીસ સમયસર ત્યાં ન પહોંચી હોત તો બાળકીનું મોત થયું હોત.” બાળકીની મેડિકલ તપાસમાં તેની સાથે રેપ થયો હોવાનું સ્પષ્ટ થયું છે. બાળકીને ચહેરા અને પ્રાઈવેટ પાર્ટમાં ઈજા થઈ છે તેની સારવાર ચાલી રહી છે. ડોક્ટર્સે બાળકીનું ઓપરેશન કર્યું છે પરંતુ ડોક્ટર્સનું કહેવું છે કે, બાળકીની હાલત ગંભીર છે અને તેના બચવાના ચાન્સ ઓછા છે. દુષ્કર્મની બીજી ઘટનામાં પણ ડિંડોલી વિસ્તારના મોદી એસ્ટેટ પાસેથી પાંચ વર્ષની બાળકી રાત્રે 1.45 વાગ્યે રડતી રડતી ઘરે આવી. તેના માતા-પિતા ગાઢ નિંદ્રામાં હોવાથી તે બાળકીના રડતા હોવાનું કારણ ન જાણી શક્યા. રડતી બાળકીને માતા-પિતાએ સુવાડી દીધી પણ સવારે જ્યારે બાળકીના પ્રાઈવેટ પાર્ટ પર થયેલી ઈજા જોઈને માતા-પિતાને કશુંક ખોટું થયાનો અંદાજો આવી ગયો. બાળકીને લઈને માતા-પિતા ન્યૂ સિવિલ હોસ્પિટલમાં આવ્યા જ્યાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સ્પષ્ટ થયું.