1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 જાન્યુઆરી 2020 (12:18 IST)

ગુજરાતની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન ‘તેજસ’ ટ્રેન માટે 60 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરાવી શકાશે

ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન ‘તેજસ’ને આજે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપીને રવાના કરી હતી. તેજસને લીલીઝંડી આપવામાં આવી તે પહેલા વેસ્ટર્ન રેલવે એપ્લોઈઝ યુનિયન દ્વારા રેલવેના ખાનગીકરણનો વિરોધ કરતા કાર્યકરોની રેલવે અને સ્થાનિક પોલીસે અટકાયત કરી હતી. આઈઆરસીટીસીના અધિકારીના જણાવ્યા અનુસાર ‘તેજસ’ ટ્રેન માટે 60 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરાવી શકાશે. આ ટ્રેનમાં પેસેન્જરને કોઈપણ પ્રકારના સ્પેશિયલ ક્વોટા કે કન્સેશનનો લાભ નહીં મળે. ફ્લાઈટની જેમ આ ટ્રેનમાં પણ ડાયનેમિક ફેર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આથી માંગ વધારે હશે ત્યારે ભાડું પણ વધતું રહેશે. ટિકિટના દરમાં પેસેન્જરને અપાતા ચા, કોફી, બ્રેકફાસ્ટ અને લંચ કે ડીનરનો સમાવેશ થઈ જાય છે. પેસેન્જર માટે 25 લાખનો અકસ્માત વીમો અને લગેજનો રૂ.1 લાખનો વીમો છે. તેજસ ટ્રેનને સમયસર દોડાવવા અમદાવાદ-મુંબઈ વચ્ચે આવતી-જતી 33 ટ્રેનના સમયમાં 5 મિનિટથી માંડી 55 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. અન્ય ટ્રેનોના સમયપત્રકમાં થયેલા ફેરફાર મુજબ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 55 મિનિટ, નવજીવન એક્સપ્રેસ 25 મિનિટ મોડી ઉપડશે. સવારે મુંબઈ તરફ જતી 11 તેમજ મુંબઈથી અમદાવાદ આવતી 16 ટ્રેન અને 4 મેમૂના સમયમાં 5 મિનિટથી 10 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે.તેજસ ટ્રેન અમદાવાદથી સવારે 6.40એ ઉપડી બપોરે 1.10એ મુંબઈ પહોંચશે. આ ટ્રેન 1 કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ.100 અને 2 કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ.250 વળતર ચૂકવવામાં આવશે. વેકેશન અને તહેવારોની બિઝી સિઝનમાં ઓફ સિઝનની સરખામણીએ ટ્રેનનું ભાડું પણ વધુ રહેશે. જો કે, ટ્રેનમાં વીઆઈપી ક્વોટાથી માંડી કોઈપણ કન્સેશન અપાશે નહીં. એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું રૂ.2400, ચેરકારનું ભાડું રૂ.1300થી શરૂ થશે. 5 વર્ષથી મોટા બાળકની પણ આખી ટિકિટ થશે. એક્ઝિક્યુટિવ ચેરકારમાં દરેક સીટ પાછળ એલઈડી સ્ક્રીન છે. અમદાવાદથી સવારે 6.35 વાગે ઉપડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં સૌથી વધુ નોકરિયાત વર્ગ નડિયાદ, આણંદ વડોદરા કે અન્ય શહેરોમાં જાય છે. હવે આ ટ્રેન 55 મિનિટ મોડી ઉપડશે. જેથી સૌથી વધુ પાસ ધારકોને હાલાકી પડે તેવી શક્યતા છે.