શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 ઑગસ્ટ 2020 (11:08 IST)

ઉમરપાડામાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, બે કાંઠે વહેવા લાગી દક્ષિણ ગુજરાતની નદીઓ

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મધ્યમ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો છે. જોકે, દક્ષિણ ગુજરાતની તાપી, ઔરંગા, પૂર્ણા, મીંઢોળા, અંબિકા અને કાવેરી સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે. જેના પગલે આ નદી કિનારાના કાંઠા વિસ્તારના ગામોમાં જળમગ્ન બન્યા છે. નદીકાંઠાના ગામોમાં હજુ પાણી ઓસર્યા નથી.
દક્ષિણ ગુજરાતની તાપી, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, ઝાખરી, અંબિકા, ખરેરા, કાવેરી, દમણગંગા, ઔરંગા, સ્વર્ગવાહિની, કોલક, કીમ નદી અને તળાવો, કોતરોમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહ્યા છે. 
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ઔરંગા નદી 6.71 મીટરે વહી રહી છે. જેને લઈને વલસાડની ઔરંગા નદી પર કલેક્ટર સહીત અધિકારીઓનો કાફલો મોડી રાત્રે ઔરંગા નદીની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું.
માંડવી તાલુકાના આમલીડેમમાં પાણીની સતત આવક વધતી રહેતા 18મી ઓગસ્ટના રોજ સાંજે 6.00 વાગ્યા સુધી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતાં. 115.80 મીટરની ઉંચાઈ ધરાવતાં તથા 115 મીટરના રૂલ લેવલ સાથે હાલમાં 114.70 મીટરની જાળવી રાખી 8213 ક્યૂસેક ઈનફ્લો સાથે 9260 ક્યૂસેક આઉટફ્લો રહ્યો હતો. 
 
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 83.59% વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં 7 તાલુકાઓમાં 10 ઇંચથી ઓછો વરસાદ છે. સરદાર સરોવર ડેમમા 54.48% પાણીનો જથ્થો ભરાઈ ચુક્યો છે. 205 જળાશયોમાં 64% કરતા વધુ જળસંગ્રહ થયો છે. 
આગામી સપ્તાહમાં તા. તા.18 થી 22 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમો જરૂર જણાયે ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રાખવામાં આવશે. ભારે વરસાદની આગાહીના ૫ગલે તમામ વિભાગોએ સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી છે.