1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 14 માર્ચ 2022 (10:00 IST)

ગુજરાતમાં હોળી પહેલાં જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચશે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ યલો એલર્ટ જાહેર કર્યું

The heat wave in Gujarat
ગુજરાતમાં હીટવેવની અસર શરૂ થઈ ગઈ છે. ઉનાળાની ગરમીનો અહેસાસ હવે થવા લાગ્યો છે. ત્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે, હાલમાં ઉત્તર પૂર્વ દિશાનો પવન છે જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થઈ શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી યલો એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચશે.
 
સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં હીટ વેવની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે બે થી ચાર ડિગ્રી તાપમાન વધી જશે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ , પોરબંદર, ગીર સોમનાથ, દિવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમ પવનનો ફૂંકાશે.અને લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.અમદાવાદ સુરત,અમરેલી, રાજકોટ, પોરબંદર નું મહત્તમ તાપમાન 37 ડીગ્રીએ પહોંચી ગયું છે તો ભુજનું મહત્તમ તાપમાન 38 ડીગ્રીએ પહોંચ્યું છે.
 
ગુજરાતમાં હોળી પહેલા જ ગરમીનો અનુભવ
રાજ્યના દીવ, દમણ, દાદરા નગર હવેલી માટે આગામી 5 દિવસની હવામાન વિભાગની હીટવેવની ચેતવણી છે. ગુજરાતમાં હાલ હોળી પહેલા જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. આ વખતે માર્ચ મહિનાથી ગુજરાતીઓને હિટવેવનો સામનો કરવો પડશે. હવામાન વિભાગ અનુસાર અત્યારે ભલે આંશિક ગરમી અનુભવાઈ રહી હોય, પરંતુ આગામી સપ્તાહ બાદ ગરમીનો પારો ઉંચો જશે. 10 થી 16 માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે. લોકોને 40 ડિગ્રી ગરમીનો અનુભવ પણ થઈ જશે.  
 
ઉત્તર ગુજરાતમાં 4-5 દિવસમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચશે
ઉત્તર ગુજરાતમાં ધીમા પગલે ગરમીનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં ગરમીમાં પોણા 5 ડિગ્રીનો વધારો થયો છે. શુક્રવારે પણ વધુ સવા ડિગ્રી તાપમાન ઉચકાતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. મહેસાણા શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં ગરમીનો પારો એક ડિગ્રી વધીને 36.3 થયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ, રાજસ્થાન અને ગુજરાતને જોડતી એક એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ બની રહી છે. જેના કારણે આગામી 4-5 દિવસમાં ધીમે ધીમે ગરમીમાં 2 થી 4 ડિગ્રીની વધારો થવાની શક્યતા છે.આગામી પાંચેક દિવસમાં ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 38 થી 40 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે.