પત્નીએ બચકું ભરતાં ઈજાગ્રસ્ત પતિ દવાખાને ગયો, ડોક્ટરે કેસ પેપરમાં લખ્યું બૈરું કરડ્યું
જિલ્લાના વિરપુર તાલુકામાં વિચિત્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે. વિરપુરની સરકારી હોસ્પિટલમાં એક ઈજાગ્રસ્ત યુવક સારવાર માટે આવ્યો હતો. તેણે ફરજ પરના ડોક્ટરને ઈજા થવાનું કારણ તેની પત્નીએ બચકું ભર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન પેપર પર ઈજાના કારણમાં બૈરુ કરડ્યું હોવાનું લખતાં સોશિયલ મીડિયામાં જબરદસ્ત ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ડોક્ટરે ધનુરનું ઈન્જેક્શન આપી અન્ય દવા કરીને દર્દીને રવાના કર્યા હતાં. આ સમગ્ર મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. હાલ આ કેસ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો.
બોલાચાલી થતાં પત્નીએ પતિને બચકું ભર્યું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે વિરપુર તાલુકા મથકે આવેલ સરકારી દવાખાને ઓપીડી સમયે હાજર ડો. મૌલિક પટેલ પાસે વિરપુરના શેખ પરિવાર પચ્ચીસ વર્ષીય પેશન્ટ આવ્યા હતા. જે બાદ ડોક્ટરે શું થયું છે પૂછતા યુવકે પત્નીએ બચકું ભર્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે દર્દી દ્વારા પૂરી હકીકત જણાવતા પત્ની સાથે સામાન્ય વાતને લઇ બોલાચાલી થતાં ઉગ્ર બનેલી પત્નીએ પતિને હાથની આંગળી પર બચકું ભરી ઘાયલ કર્યા હતા.
પ્રાણી કરડયા ના કિસ્સા બન્યા પણ બૈરું કરડ્યું નો પ્રથમ કિસ્સો
તેની સારવાર માટે યુવક સરકારી દવાખાને આવી હાજર તબીબ મૌલિક પટેલ દ્વારા દર્દીને ધનુરનું ઈન્જેક્શન આપીને જરૂરિયાત પ્રમાણે દવા કરી રવાના કર્યા હતા. પરંતુ જ્યારે કેસ પેપર મા ડો. મૌલિક પટેલ દ્વારા લખાયેલ બૈરું કરડ્યું ના શબ્દો જોતા વિરપુર તાલુકાના સોશિયલ મીડિયા મા વાયરલ થયું અને કૂતરું , બલાડું , વાનર જેવા પ્રાણી કરડયા ના કિસ્સા બન્યા પણ બૈરું કરડ્યું નો પ્રથમ કિસ્સો બન્યો તે સમગ્ર મહીસાગર જિલ્લામાં ચકચાર મચાવી રમુજી ઉપજાવી હતી.આ સમગ્ર મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. હાલ આ કેસ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો.