રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 30 જુલાઈ 2024 (16:35 IST)

આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદનું જોર વધારે રહે તેવી સંભાવના

rain in gujarat
ગુજરાતમાં આજથી બે દિવસ વરસાદનું જોર વધશે અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
 
છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હતું અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થયો હતો. જે બાદ સોમવારે ફરી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને હવે ગુજરાત પર આવી છે, આ સિસ્ટમ રાજ્ય પર પહોંચતા ફરી ચોમાસું સક્રિય થયું છે અને ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
 
આ સિસ્ટમની સાથે-સાથે દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી એક ઑફ શૉર ટ્રફ રેખા સર્જાયેલી છે, જેની અસર પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં થઈ રહી છે.
 
ગુજરાતમાં પહેલી જૂનથી અત્યાર સુધી સરેરાશ 20 ટકા જેટલો વધારે વરસાદ થયો છે, છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજી પણ સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.
 
45 જળાશય છલકાયાં
ગુજરાત સરકારના જળસંપત્તિ વિભાગની પ્રેસ રિલીઝ મુજબ, સોમવાર સવારની સ્થિતિ પ્રમાણે, રાજ્યનાં 45 જળાશય સંપૂર્ણપણે છલકાઈ જતાં હાઈઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય સાત જળાશય 90થી 
 
100 ટકા પાણીથી ભરાયાં છે.
સરદાર સરોવર ડૅમ તેની કુલ ક્ષમતાના 53.37 ટકા જેટલો ભરાયો છે. આ સિવાયનાં 206 જળાશય તેની સરેરાશ ક્ષમતાના 47.19 ટકા જેટલાં નોંધાયાં છે.
 
રાજ્યના 30 ડૅમ 70થી 100 ટકા ભરાતા ઍલર્ટ, 28 ડૅમમાં 50થી 70 ટકા ભરાતા ચેતવણી આપવામાં આવી છે. જ્યારે 36 ડૅમ તેની સરેરાશ ક્ષમતાના 25થી 50 ટકા ભરાયા છે.
 
વિસ્તારવાર જોઈએ તો દક્ષિણ ગુજરાતનાં 13 જળાશય સરેરાશ 53.29 ટકા, સૌરાષ્ટ્રના 141 ડૅમમાં સરેરાશ 50.88 ટકા, કચ્છના 20 બંધમાં સરેરાશ 50 ટકા, મધ્ય ગુજરાતના 17 ડૅમમાં સરેરાશ 37.29 ટકા તથા 
ઉત્તર ગુજરાતનાં 15 જળાશયમાં સરેરાશ 26.49 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
 
આગામી બે દિવસો સુધી દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, અરવલ્લી, છોટા ઉદેપુર, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લાના વિસ્તારોમાં 
વરસાદનું જોર વધારે રહે તેવી સંભાવના છે.
 
આ ઉપરાંત વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ સહિતના વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી સતત વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.
 
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, સહિતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ સહિતના 
 
વિસ્તારોમાં પણ આગામી બે દિવસ સુધી વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદની આગાહી છે. કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પણ થઈ શકે છે.
 
સિસ્ટમ ગુજરાત પર આવતાંની સાથે જ અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર વધી ગયું છે અને પૂર્વ, મધ્ય તથા ઉત્તર ગુજરાત પર વરસાદનું જોર વધારે રહે તેવી શક્યતા છે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક 
 
વિસ્તારોમાં પણ વધારે વરસાદ પડે તેવી સંભાવના છે. કચ્છ જિલ્લામાં આગામી બે દિવસ સુધી વધારે વરસાદની શક્યતા છે.