1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 20 જૂન 2024 (12:15 IST)

દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ધોધમાર, કપરાડામાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં આ વર્ષે ચાર દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું હતું. 11 જૂને દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થયું હતું. પરંતુ, ચોમાસાના વિધિવત્ આગમનના નવ દિવસ બાદ પણ ચોમાસું હજી પણ દક્ષિણ ગુજરાતમાં જ અટવાયું છે. તો સૌરાષ્ટમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ વરસાદી માહોલ બરાબર જામતો નથી. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો છેલ્લા 4 કલાકમાં એટલે કે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 17 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

ભારે વરસાદના કારણે વલસાડ શહેરના MG રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા દુકાનદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વહેલી સવારથી જ પાણી ભરાઇ જતાં દુકાન ખોલવામાં પણ તકલીફ પડી રહી છે. તો શહેરના નીચાણવાળા વિસસ્તારો જેમ કે છીપવાડ રેલવે અંડરપાસ અને છીપવાડ દાણાબજારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.આજે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 9 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડા, વાપી અને ઉમરગામમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં 1 થી 9 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે.આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 13 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો નર્મદા જિલ્લાના નાંદોદમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સિવાય અન્ય તાલુકાઓમાં 1થી 9 મિમી સુધીનો વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં ત્રણ ઇંચ, વલસાડ શહેરમાં પોણા ત્રણ ઇંચ, સુરતના પલસાણામાં દોઢ પોણા બે ઇંચ, નવસારીના જલાલપોરમાં પોણા બે ઇંચ, નવસારી શહેરમાં દોઢ ઇંચ, વાપીમાં દોઢ ઇંચ, પારડીમાં દોઢ ઇંચ, ચીખલીમાં એક ઇંચ, ડાંગ-આહવામાં અડધો ઇંચ અને ભરૂચના વાલિયામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય અન્ય તાલુકાઓમાં 1થી 9 મિમી સુધીનો વરસાદ નોંધાયો હતો.