દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ડઃ જલાલપોરનું ખરસાડ બેટમાં ફેરવાયું, વલસાડમાં 7 રસ્તાઓ બંધ
ગુજરાતમાં ચોમાસુ શરૂ થયા બાદ હજી સુધી માત્ર 9.15 ઈંચ સાથે સિઝનનો 26.32 ટકા વરસાદ વરસ્યો છે. જેની સરખામણીએ ગત વર્ષે 12મી જુલાઇ સુધી 21.34 ઈંચ સાથે સિઝનનો 48 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. હાલ રાજ્યના 18 જિલ્લા એવા છે જ્યાં વરસાદની 20 ટકાથી પણ વધુ ઘટ છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. નવસારી, વલસાડ સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગણદેવીમાં તો ચાર કલાકમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ જલાલપોરનું ખરસાડ ગામ તો બેટમાં ફેરવાયું છે.
વલસાડના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
બીજી તરફ આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં વલસાડમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાથી રસ્તા ઉપર પાણી વહી નીકળ્યા છે. ઠેર-ઠેર વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા છે. જેને પગલે જિલ્લાના 7 જેટલા મુખ્ય રસ્તાઓ ઓવર ટોપિંગને લઈને બંધ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ફરી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે. વલસાડના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
12મી જુલાઈ સુધી 4.62 ઈંચ વરસાદ વરસ્યો
ગુજરાતમાં જૂનમાં 4.52 ઈંચ જ્યારે 12મી જુલાઈ સુધી 4.62 ઈંચ વરસાદ વરસ્યો છે. 166 તાલુકામાં હજુ 10 ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં ગતવર્ષે સિઝનનો 112 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. જ્યારે આ વખતે ત્યાં 35 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સ્થિતિ સૌથી સામાન્ય છે. ઉત્તર ગુજરાતમાં 5.20 ઈંચ સાથે સિઝનનો 18.13 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 5.41 ઈંચ સાથે સિઝનનો 16.69 ટકા વરસાદ નોંધાયો છે.