ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 ઑગસ્ટ 2023 (15:20 IST)

ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો ગયો, જો હવે વરસાદ ખેંચાશે તો સિંચાઈના પાણીની કટોકટી સર્જાવાના એંધાણ

રાજ્યના 207 ડેમમાં માત્ર 75.97 ટકા પાણીનો જથ્થો છે, જેમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના ડેમમાં સૌથી ઓછું પાણી છે
રાજ્યમાં 25 ઓગસ્ટ સુધીમાં 28 ઈંચ સાથે 81 ટકા વરસાદ થયો છે પરંતુ હવે ખેડૂતો વરસાદના વધુ એક રાઉન્ડની રાહ જોઈ રહ્યાં છે
 
Rain Shortage Gujarat - રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 28 ઈંચ સાથે મોસમનો 80 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્ય માટે ઓગસ્ટ મહિનો હજુ સુધી સામાન્ય રહ્યો છે અને જેમાં અત્યારસુધી સરેરાશ પોણો ઈંચ વરસાદ પણ પડ્યો નથી. આ તરફ હવામાન વિભાગે સાથે જ જણાવ્યું કે, જૂન જુલાઇમાં વરસાદ સારો રહ્યો છે. જેના કારણે પાણીની અછત જોવા મળી રહી નથી. પરંતુ ખેડૂતોને પિયત માટે જોઇતા વરસાદી પાણીમાં ઘટ જોવા મળી છે. ઓગસ્ટ કોરો ગયો પણ જો સપ્ટેમ્બરમાં વરસાદ નહીં થાય તો પાણીની ભયંકર તંગી સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 
 
વરસાદ ખેંચાશે તો ખેડૂતોની હાલત કફોડી થશે
રાજ્યમાં 25 ઓગસ્ટ સુધીમાં 28 ઈંચ સાથે 81 ટકા વરસાદ થયો છે. પરંતુ હજુ વરસાદની ઘટ સાલી રહી છે. બિપરજોય વાવાઝોડા બાદ વરસાદે રાજ્યને ધમરોળવાનું શરૂ કર્યું હતું અને કાયમ કોરા ધાકોર રહેતા કચ્છમાં જળબંબાકારની સ્થિતિ સર્જી નાંખી હતી. સૌરાષ્ટ્રમાં પણ વરસાદે સદી ફટકારી છે. સૌરાષ્ટ્રમાં ગઈકાલ સુધીમાં 110 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 73.30 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ખોટ વર્તાઈ છે. ઉત્તર ગુજરાતમાં 67.71 અને મધ્ય ગુજરાતમાં 65.95 ટકા જ વરસાદ થયો છે. જો હજુ વરસાદ ખેંચાશે તો ખેડૂતોની હાલત કફોડી થશે. રાજ્યના જળાશયોમાં પુરતો પાણીનો જથ્થો છે પણ પીવાના પાણીને બાદ કરતાં સિંચાઈ માટે કેટલું પાણી મળશે એ તો સરકાર જ નક્કી કરશે. 
 
207 જળાશયોમાં 75.97 ટકા પાણીનો જથ્થો
રાજ્યના ડેમમાં પાણીના જથ્થાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 74.11, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.17, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 77.96, કચ્છના 20 જળાશયોમાં 64.12 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.63 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવરની વાત કરીએ તો હાલ ડેમમાં 79.47 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યના 207 જળાશયોમાં 75.97 ટકા પાણીનો જથ્થો છે. ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો હોવા છતાં 90 ટકાથી વધુ ભરાયેલા 93 જળાશયો હાઈ એલર્ટ પર છે. જ્યારે 80 ટકાથી વધુ ભરાયેલા 26 જળાશયો એલર્ટ પર છે. તે ઉપરાંત 70 ટકાથી વધુ ભરાયેલા 14 જળાશયો વોર્નિંગ પર છે. જ્યારે 73 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી છે. 
 
13 સપ્ટોમ્બરે ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે
રાજ્યમાં ઓગસ્ટ મહિનો આખો કોરો ગયો છે. માત્ર છુટા છવાયા ઝાપટા પડી રહ્યાં છે. પરંતુ વરસાદની આગાહી અંગે સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કોઈ આગાહી કરવામાં આવી નથી. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મીડિયાને જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે. 27થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે.સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સારા વરસાદની શક્યતા છે. 13 સપ્ટોમ્બરે ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 25 ઓક્ટોબર સુધી ગરમી રહેવાની શક્યતા છે. ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં શ્રીકાર વરસાદ વરસ્યો હતો. આ બે મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાને ખમૈયા કહેવું પડે એવો તોફાની વરસાદ જોવા મળ્યો હતો.