શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 ઑક્ટોબર 2022 (09:45 IST)

વડાપ્રધાન ચૂંટણી પહેલાં છેલ્લી વખત ગુજરાત આવશે, ત્રણ દિવસના પ્રવાસમાં વડોદરા, થરાદ અને માનગઢના કાર્યક્રમમાં હાજરી આપશે

narendra modi
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદી છેલ્લી વખત ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોબરથી પહેલી નવેમ્બર સુધી મોદી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ વડોદરા, થરાદ, કેવડિયા અને માનગઢમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને જંગી જનસભાને સંબોધશે. એ ઉપરાંત તેઓ ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમને પણ સંબોધન કરશે. તેમના પ્રવાસ બાદ વિધાનસભાની ચૂંટણી જાહેર થાય એવી શક્યતા છે.30મી ઓક્ટોબરે વડાપ્રધાન દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર આવશે, જ્યાં લેપ્રસી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. એમાં તેઓ આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાતમુહૂર્ત કરશે, જ્યાંથી હેલિકોપ્ટર દ્વારા તેઓ કેવડિયા જશે અને સર્કિટ હાઉસ કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે.

તેઓ 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જશે, જ્યાં પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ રાષ્ટ્રીય એક્તા દિવસ પરેડ સાથે જોડાશે. ત્યાં બાય રોડ પરેડ ગ્રાઉન્ડ સુધી પહોંચશે. આ પછી એક્તાનગર હેલિપેડ પર તેઓ આવશે અને પછી હેલિકોપ્ટર દ્વારા ફરી વડોદરા એરપોર્ટ પહોંચશે. વડોદરાથી તેઓ અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા થરાદ હેલિપેડ પર પહોંચશે.બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનાં ખાતમહૂર્તના કાર્યક્રમમાં ભાગ લેશે. આ દિવસે તેમનું વધુ વ્યસ્ત શેડ્યૂલ છે, તેથી તેઓ આ ખાતમુહૂર્તના કાર્યક્રમો પછી ત્યાંથી ફરી અમદાવાદ એરપોર્ટ આવશે અને પછી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. પહેલી નવેમ્બરે રાજભવનથી સચિવાલય હેલિપેડ ગાંધીનગર ખાતે સવારના સમયે પહોંચશે, જ્યાંથી તેઓ હેલિકોપ્ટરમાં રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલી માનગઢ હિલ ખાતે જવા રવાના થશે. ત્યાંથી તેઓ જાંબુઘોડા આવવા રવાના થશે, જ્યાં તેઓ ખાતમુહૂર્ત ઉપરાંત કેટલાંક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.તેઓ ફરી જાંબુઘોડા હેલિપેડ પરથી હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર પહોંચશે અને ત્યાંથી રોડ માર્ગે રાજભવન પહોંચી ત્યાં થોડો સમય વિતાવ્યા પછી મહાત્મા મંદિર પર પહોંચશે. અહીં તેઓ ભાજપના 182 વિધાનસભા બેઠકના કાર્યકરો સાથે દિવાળી મિલનના વર્ચ્યુઅલ સંબોધન કાર્યક્રમમાં હાજરી આપશે અને કાર્યકરો સાથે કેટલીક ચૂંટણીને લગતી કામગીરી અંગે વાત કરશે. ત્યાંથી તેઓ ફરી પાછા અમદાવાદ એરપોર્ટ પર જવા રવાના થશે અને રાત્રિના સમયે તેઓ અમદાવાદ એરપોર્ટથી પરત દિલ્હી જશે.વડાપ્રધાન મોદી આ પહેલાં 30 સપ્ટેમ્બરે ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે અમદાવાદમાં મેટ્રો ટ્રેન અને ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. ત્યાર બાદ તેઓ 9થી 11 ઓક્ટોબરે ગુજરાત આવ્યા હતા. આ દરમિયાન તેમણે મોઢેરા, જામકંડોરણા, અમદાવાદ સિવિલ, જામનગર, આમોદ, ભરૂચમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે મહેસાણા જિલ્લાના મોઢેરાને સોલર પાવર્ડ વિલેજ જાહેર કર્યું હતું.