મંગળવાર, 29 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (14:18 IST)

વ્યાજખોરો પર લગામ કસવા પોલીસે શરૂ કરેલી કડક કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ

રાજ્યમાં વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વ્યાજખોરો પર લગામ કસવા પોલીસે શરૂ કરેલી કડક કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. 
 
રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ મેગા ડ્રાઇવમાં અત્યાર સુધીમાં ૪૬૪ એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે. જેમાં ૭૬૨ આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. તે પૈકી ૩૧૬ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં છે તો અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે.
 
કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના સીધા માર્ગદર્શનમાં થઇ રહેલી આ કામગીરીથી રાજ્યમાં વ્યાજખોરોમાં સોંપો પડી ગયો છે.
 
તા.૫મી જાન્યુઆરીથી શરૂ કરાયેલી આ મેગા ડ્રાઇવ અંતર્ગત ઠેર ઠેર યોજવામાં આવતા લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. આ લોકદરબારમાં ગૃહ વિભાગના અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા ને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી. 
 
મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી. પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડકપણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પણ પરત અપાવવાનો અભિગમ છે. 
 
તા.૫મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં ગૃહવિભાગ દ્વારા ૯૩૯ લોકદરબાર યોજ્યા છે. જેમાં ૪૬૪ પોલીસ ફરિયાદો નોંધવામાં આવી છે. જે ફરિયાદો અંતર્ગત ૭૬૨ આરોપીઓના નામ સ્પષ્ટ થતાં તેમના સામે કડક કાર્યવાહી માટે ગુના નોંધી તે પૈકી ૩૧૬ વ્યાજખોર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાંથી ચાર આરોપીઓ સામે પાસા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.