બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 મે 2017 (12:20 IST)

60 ટકાથી વધુ અમદાવાદીઓ ટ્રાફિક નિયમો તોડે છે જેમાં વર્ષે 8 હજારના મોત થાય છે.

ગુજરાતમાં રોડ અકસ્માતોમાં વર્ષે આઠ હજારથી વધુ વ્યક્તિઓના મૃત્યુના આંકડા રાજ્યના વાહન ચાલકોની ડ્રાઇવિંગ સેન્સની વરવી વાસ્તવિકતા રજૂ કરે છે. રાજ્યમાં દરરોજ 22 અને વર્ષે આઠ હજારથી વધુ વ્યક્તિઓ અકસ્માતોમાં મૃત્યુ પામે છે. તેમાં 35.7% વાહન ચાલકો ઓવર સ્પીડનો ભોગ બને છે. રાજ્યમાં અમદાવાદની પરિસ્થિતિ ચિંતાજનક છે. કેમ કે 61% અમદાવાદીઓ ટ્રાફિકના નિયમોને ગણતા જ નથી.

67% ટૂ વ્હીલર્સ, 58% કાર અને 53% બસ ચાલકો ટ્રાફિકના કાયદા અને નિયમોનો છડેચોક ભંગ કરે છે. ટ્રાફિકના નિયમોની સતત અવગણના, પુરતી સલામતી ના રાખવી અને બેફામ ડ્રાઇવિંગનું વલણ વાહન ચાલકોમાં વધી રહ્યું છે. પરિણામે રોડ અકસ્માતો ગંભીર રીતે વધી રહ્યા છે. વર્ષ 2014ની સરખામણીમાં 2015માં રોડ અકસ્માતો 2.5% વધ્યા છે અને તેનાથી મૃત્યુ થવાની ઘટનાઓ 4.5% વધી છે.  કટ્સ સેન્ટર ફોર કન્ઝ્યુમર એક્શન, રિસર્ચ એન્ડ ટ્રેનિંગના ડિરેક્ટર જ્યોર્જ ચેરિયને જણાવ્યું હતું કે,‘રોડ અકસ્માતોની દ્રષ્ટિએ ગુજરાતમાં અમદાવાદની પરિસ્થિતિ લાલ બત્તી સમાન છે. અમદાવાદના 61% વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે. 68% ટકા ટુ વ્હીલર ચાલકો અને 58% કાર ચાલકો વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત કરે છે અથવા મ્યુઝીક સાંભળે છે. જેથી અકસ્માતો અને મૃત્યુનું પ્રમાણ પણ વધુ છે. ગુજરાતમાં 35.7% વાહન ચાલકો ઓવર સ્પીડના લીધે મૃત્યુ પામે છે, જ્યારે કે નેશનલ એવરેજ 29.7% છે. રાજ્યમાં વર્ષ 2016માં કુલ 21589 અકસ્માતોમાં 8139 વ્યક્તિઓના મોત થયા છે. ગ્લોબલ હેલ્થ એડવોકેસી ઇન્સ્ટિટ્યુટના કન્સલ્ટન્ટ નલીન સિંહાએ છેલ્લા 10 વર્ષના અકસ્માતોની તુલના કરતાં જણાવ્યું હતું કે,‘છેલ્લા 10 વર્ષમાં 13 લાખ(કોઇ એક નાના શહેરની વસ્તી જેટલી) વ્યક્તિઓ રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. વર્ષ 2015માં 23362 રોડ અકસ્માતોમાં 8245 મૃત્યુ સાથે ગુજરાત આઠમા ક્રમના રાજ્ય તરીકે સામે આવ્યું છે. જ્યારે કે વર્ષ 2016માં કુલ 8139 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે અને વર્ષ 2017 માર્ચ સુધીમાં 322 વ્યક્તિઓના મોત થયા છે. જે દર્શાવે છે કે મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ હજુ નોંધપાત્ર ઘટાડો થયો નથી.’ સીઇઆરસી અને કટ્સ ઇન્ટરનેશનલ દ્વારા રોડ સેફ્ટી- મોટર વ્હીકલ (એમેન્ડમેન્ટ) બીલ 2016ના અનુસંધાને રીજનલ એડવોકેસી મિટિંગનું આયોજન કર્યું હતું. જેમાં નિષ્ણાંતોએ સુધારા વધારા સાથેનું બીલ રાજ્યસભામાં ત્વરિતે પસાર કરવાની હિમાયત કરી હતી.