ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (11:00 IST)

પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવારનું અનોખું ‘કરૂણા અભિયાન’

કરૂણા અભિયાન: રાજ્યભરમાં ૭૦૦થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો-૬ર૦ થી વધુ તબીબો અને ૬ હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો જોડાશે
 
આગામી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે તા.૧૦મી જાન્યુઆરીથી તા.ર૦મી જાન્યુઆરી-ર૦રર દરમ્યાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશાદર્શનમાં યોજાશે.
 
આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે. ‘‘જીવો, જીવવાદો અને જીવાડો’’ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે.
 
તદ્દઅનુસાર, વોટ્સએપ નં. ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર ‘Karuna´મેસેજ ટાઇપ કરવાથી કે વેબસાઇટ https://bit.ly.karunaabhiyan ઉપર કલીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. એટલું જ નહિ, પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર ૧૯૬૨ ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે.
 
આગામી ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે ૭૦૦થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, ૬ર૦થી વધારે તબીબો તેમજ ૬૦૦૦ ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે.
 
ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. પાછલા પાંચ વર્ષોમાં અંદાજે પ૦ હજારથી વધુ પક્ષીઓની કરૂણા અભિયાન અન્વયે સારવાર-સુશ્રુષા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે ઉત્તરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા સૌને અપિલ કરી છે.