1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (15:31 IST)

વડોદરા કલેક્ટર કચેરીમાં આગ લાગતાં 5 વર્ષના મતદાનના ડેટા સહિત ફર્નિચર બળીને ખાખ

વડોદરા કલેક્ટર કચેરીમાં આવેલા મહેકમ દફતર વિભાગમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી. આગમાં છેલ્લા 4થી 5 વર્ષના મતદાન ડેટા સહિત ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું. આગના બનાવને પગલે વડોદરા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પાલિકાની ચૂંટણી પૂર્વે મતદાન ડેટા બળી જતા અનેક શંકાઓ ઉભી થઇ છે. વડોદરા કલેક્ટર કચેરીમાં આવેલા મહેકમ દફતર વિભાગમાં એકાએક ધૂમાડાના ગોટા ઉડતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી અને કર્મચારીઓ કચેરીની બહાર દોડી આવ્યા હતા. આ અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ કલેક્ટર કચેરી ખાતે જવા નીકળી હતી અને દાંડિયા બજાર ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ પરમાર સ્થળ પર પહોંચી ગયા હતા અને વીજ કંપનીની ટીમે પણ પહોંચીને વીજ પુરવઠો બંધ કર્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ કાબૂમાં આવે તે પહેલા મતદાનના ડેટા સહિત ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું.આગના આ બનાવને પગલે કલેક્ટર કચેરીનો તમામ વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જેને પગલે કામગીરી ખોરંભે પડી ગઇ હતી. નોંધનીય છે કે, સોમવારથી પાલિકાની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે કલેક્ટર કચેરીમાં આગ ફાટી નીકળતા ચૂંટણીની કામગીરી પર પણ અસર પડી હતી. જોકે આગ કાબૂમાં આવી ગયા બાદ વીજ કંપની અને ઇલેક્ટ્રીશિયન ડિપાર્ટમેન્ટ દ્વારા યુદ્ધના ધોરણે ફરીથી વીજ પુરવઠો શરૂ થાય તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.આજે સવારે આગ ફાટી નીકળતા કલેક્ટર કચેરીના તમામ વિભાગના કર્મચારીઓ કચેરીની બહાર દોડી આવ્યા હતા. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી, પરંતુ કલેક્ટર કચેરીની કામગીરી ખોરંભે પડી હતી. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પણ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.