સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 11 જુલાઈ 2021 (10:21 IST)

વેજલપુરમાં લોકોને ઘરનાં બારી-બારણાં બંધ રાખવા પોલીસનો આદેશ કેમ થયો?

અમદાવાદ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને પગલે સુરક્ષાનાં કારણોસર વેજલપુર વિસ્તારમાં કેટલીક સોસાયટીનાં સભ્યોને ઘરના બારી-બારણાં બંધ રાખવાનું કહેતા વિવાદ સર્જાયો છે. રવિવારે સવારે અમિત શાહ વેજલપુરમાં નવનિર્મિત પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલનું ઉદઘાટન કરવાના હોઇ વેજલપુર પોલીસે પત્ર પાઠવીને હોલ તરફનાં બારી બારણાં બંધ રાખવા જણાવ્યું છે. બારી-બારણાં બંધ નહીં રાખે તેની સામે કાર્યવાહી થશે તેવા સંદેશાઓ સોશિયલ મીડિયામાં ફરતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પોલીસે સ્વામિનારાયણ, સ્વાતિ એપોર્ટમેન્ટ સહિતની સોસાયટીને લખેલા પત્રમાં ઝેડ પ્લસ સુરક્ષા અને વીવીઆઇપી બંદોબસ્તને પગલે બારી બારણાં બંધ રાખવા જણાવ્યું છે. પત્રમાં સભ્યોને સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી બારી બારણાં બંધ રાખવા વિનંતી કરી છે. નવનિર્મિત હોલની સામે સ્વામિનારાયણ ફ્લેટસમાં રહેતાં પંક્તિબેન જોગે જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં છેલ્લા બે દિવસથી મેસેજ ફરે છે કે અમિત શાહની મુલાકાતમાં જો હોલ તરફના બારી-બારણાં બંધ નહીં કરાય તો કાર્યવાહી થશે. આ બાબતે જ્યારે લેખિતમાં આદેશ મગાયો તો તેમાં કાર્યવાહીનો કોઇ ઉલ્લેખ ન હતો. પોલીસ મૌખિક સૂચનાઓ આપીને લોકોને ડરાવી રહી છે. હું અસ્થમાની પેશન્ટ છું જેથી મેં પોલીસને સ્પષ્ટ જણાવી દીધું છે કે હું બારી-બારણાં ખુલ્લા જ રાખીશ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 11 જુલાઈના રોજ શહેરના અનેક પ્રોજેક્ટ ખુલ્લા મુકાનાર છે. ત્યારે બોપલ ખાતે સવારે 9.30 વાગે યોજાનારા કાર્યક્રમ સ્થળથી શાહના હસ્તે અનેક રેલવે સુવિધાઓનું લોકાર્પણ કરાશે. જેમાં નવનિર્મિત ચાંદલોડિયા બાયપાસ સ્ટેશનની સાથે રિનોવેટ કરાયેલા અમદાવાદ સ્ટેશન, આંબલીરોડ સ્ટેશન, ખોડિયાર સ્ટેશન તેમજ કલોલ સ્ટેશન ખાતે પેસેન્જરો માટે શરૂ કરેલી સુવિધાઓનું ઓનલાઈન લોકાર્પણ કરાશે. આ અંગે વેજલપુરના PI એલ ડી આડોદરાએ કહ્યું હતું કે, અમે સોસાયટીઓને વિનંતી કરી છે કે બારી-બારણાં બંધ રાખે. જ્યારે પણ વીવીઆઇપી મુવમેન્ટ હોય ત્યારે આ પ્રકારે અમે લોકોનો સહકાર માગીએ છીએ. જો બધી બારીઓ બંધ હોય તો કોઇ એક બારીમાંથી મુવમેન્ટ થાય તો અમે ધ્યાન રાખી શકીએ. જો બારીઓ ખુલ્લી જ હોય તો સિક્યુરિટીને લઇને તે જોખમી બને.અમે લોકોને વિનંતી કરી છે. કાર્યવાહીનો સવાલ જ નથી.