1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Monsoon Likely To Be Active In Gujarat

છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો, ત્રણ દિવસ વરસાદની આગાહી

24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું હવે આગામી 11 જુલાઇથી શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી 11થી 13 જુલાઇ સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ પ્રસર્યો છે. બીજી તરફ વલસાડમાં પણ સાર્વત્રિક વરસાદ થતાં હવે ગુજરાતમાં ફરીવાર ચોમાસુ સક્રિય થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગના મતે આગામી 11 જુલાઇના અમદાવાદ, આણંદ, ખેડા,મહીસાગર, પંચમહાલ,દમણમાં હળવાથી મધ્યમ, 12 જુલાઇના નર્મદા,ડાંગ,તાપી,સુરત, ભરૂચમાં ભારે, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવોથી મધ્યમ જ્યારે 13જુલાઇના આણંદ,વલસાડ,નવસારી, સુરત,ભરૂચ,દમણ અને ભાવનગરમાં અતિ ભારે,દાહોદ,પંચમહાલ,બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છમાં 12.62, ઉત્તર ગુજરાતમાં 12.91 ટકા, મઘ્યગુજરાતમાં 15.15 ટકા, સૌરાષ્ટ્રમાં 12.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 16.61 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં 14.84 ટકા વરસાદ થયો છે.  રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે.વરસાદ ખેંચાતાં રાજ્યમાં ચોમાસાની આ સીઝન દરમિયાન અત્યારસુધી સરેરાશ 4.90 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે.બીજી તરફ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ડેવલોપ થતાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રવીવારથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની તિવ્રતામાં પણ વધારો થશે. વરસાદની આગાહીથી ખેડૂતો માટે પણ સારા સમાચાર છે.
આગળનો લેખ
‘’કોરોનાકાળમાં જનજાગૃત્તિ ઉભી કરવામાં મીડિયાની ભૂમિકા મહત્વની’’ : નીતિન પટેલ