સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 માર્ચ 2021 (09:57 IST)

ગુજરાતના 10 શહેરોમાં ગરમી 35 ડિગ્રીને પાર, આગામી 4 દિવસમાં 40 ડિગ્રીએ પહોંચી જશે

ઉત્તર-પૂર્વના ઠંડા પવનોને કારણે હાલમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીથી રહાત રહી છે. પરંતુ, આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો વધીને 40 ડિગ્રી તેમજ કેટલાંક શહેરોમાં 40 ડિગ્રી પાર કરે તેવી શક્યતા હોવાથી કાળઝાળ ગરમી પડવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે કરી છે.હવામાન વિભાગના આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદમાં દિવસ દરમિયાન ઠંડા પવનો ચાલુ રહ્યાં હતા, જેને કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડિગ્રી વધીને 37.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન શનિવાર કરતાં દોઢ ડિગ્રી વધીને 20.1 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં વહેલી સવારે અને સાંજે ઠંડકનું પ્રમાણ વર્તાયુ હતું. પરંતુ, બપોરનાં 12થી સાંજનાં 4 વાગ્યા દરમિયાન લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. સોમવારથી અમદાવાદમાં ક્રમશ ગરમીનો પારો વધશે, તેમજ સોમવારથી ગુરુવાર દરમિયાન ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધીને 40 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે. ઠંડા પવનોની અસરથી છેલ્લાં 3 દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજયના મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેને કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. રવિવારે અમદાવાદ સહિત રાજ્યના 12 શહેરોમાં ગરમીનો પારો 37થી 38 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 38.8 ડિગ્રી સાથે મહુવા સૌથી ગરમ શહેર બન્યું હતું. પરંતુ, આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદ, વડોદરા અને અમરેલી સહિત રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો વધીને 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાથી ગરમીમાં વધારો થવાના સંકેતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયાં છે. હવામાન વિશેષજ્ઞએ જણાવ્યું કે, આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યમાં પવનોનું જોર ઘટશે, જેને કારણે રાજ્યનાં મોટાભાગનાં શહેરોનાં મહત્તમ અને લઘુુત્તમ તાપમાનમાં વધારો થશે. જેને કારણે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધીને 40 ડિગ્રી તેમજ કેટલાંક વિસ્તારોમાં 40 ડિગ્રી પાર કરે તેવી શક્યતા છે. જો કે, આગામી 17 માર્ચની આસપાસ સાયક્લોનિક સરક્યુલેશન રાજસ્થાન સુધી પહોંચતા ગુજરાતમાં બે દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ સર્જાશે. પરંતુ, વરસાદ પડવાની શક્યતા નહિવત છે.16મી માર્ચથી પશ્ચિમી હિમાલય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે, જેની અસરોથી અરુણાચલ પ્રદેશ, આસામ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ‌, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં થંડર સ્ટ્રોમથી લઇને ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.