શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 એપ્રિલ 2021 (14:01 IST)

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી બે દિવસ માટે હીટ વેવની આગાહી, ભૂજમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેને જોઈને લાગે છે કે આ વખતે ઉનાળો આકરો સાબિત થશે. હાલ રાજ્યના મોટાભાગના શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળે છે. જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં આવનારા 5 દિવસ દરમિયાન ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરી શકે છે. સાથે આજથી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે. અમદાવાદ સહિત 8 શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર થયો છે. જ્યારે ભૂજમાં સૌથી વધુ 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 39.9 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 3 દિવસો દરમિયાન અમદાવાદમાં તાપમાનનો પારો 40થી 41 ડિગ્રીની વચ્ચે રહે તેવી સંભાવના છે. અમદાવાદમાં છેલ્લા 7 વર્ષથી એપ્રિલ મહિનામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. એવામાં એપ્રિલના બીજા અઠવાડિયામાં શહેરમાં કાળજાળ ગરમી પડી શકે છે. રાજ્યમાં અન્ય શહેરોમાં સુરેન્દ્રનગરમાં શુક્રવારે 41.5 ડિગ્રી, રાજકોટ-કંડલામાં 41.2 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી, અમરેલીમાં 40.5 ડિગ્રી, કેશોદમાં 40.1 ડિગ્રી, વડોદરામાં 38.6 ડિગ્રી, સુરતમાં 32.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી બે દિવસ દરમિયાન કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં હીટ વેવની સ્થિતિ રહેશે.