સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગરઃ , બુધવાર, 21 જૂન 2023 (18:47 IST)

ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી ક્યારે? જાણો હવામાન વિભાગે શું સ્પષ્ટતા કરી

અંબાલાલ પટેલે કહ્યું આગામી 26 અને 27 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે
 
ગુજરાતમાં તાજેતરમાં બિપરજોય વાવાઝોડાને કારણે ભારે પવન અને વરસાદને કારણે આઠ જિલ્લાઓ સહિત અનેક વિસ્તારોમાં નુકસાન ભોગવવું પડ્યું છે. વાવાઝોડાને કારણે થયેલા વરસાદમાં ખેતીને નુકસાન થયું છે. ત્યારે અષાઢી બીજથી ખેતરમાં બીજ વાવતા ખેડૂતો માટે ખાસ સમાચાર સામે આવ્યાં છે.

ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ ક્યારે બેસશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસુ બેસી જાય છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. કારણે કે, ભેજના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. 
 
સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં ચોમાસુ બેસી જતું હોય છે
હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. આગામી 5 દિવસમાં ડાંગ, તાપી, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢમાં સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે અને રાજ્યમાં ભેજ વધુ હોવાને કારણે વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં ચોમાસુ બેસી જતું હોય છે. પરંતુ હજી ચોમાસુ મહારાષ્ટ્રના છેડા પર પહોંચ્યું છે. સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસુ બેસી ગયા બાદ રાજ્યમાં દક્ષિણ તરફથી ચોમાસાનું આગમન થાય છે. મોચા વાવાઝોડાના કારણે કેરળમાં ચોમાસુ મોડું આવ્યું તો બિપોરજોય વાવઝોડાના કારણે ગુજરાતમાં ચોમાસુ મોડું આવશે? 
 
જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસુ પહોંચે તેવી શક્યતાઓ
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, રાજ્યમાં જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસુ પહોંચે તેવી શક્યતાઓ છે. તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 26 અને 27 જૂન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેશે. 4 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્યભાગોમાં વરસાદની શક્યતા રહેશે.અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં ઊભું થતું વરસાદી વહન તા. ૨૩,૨૪,૨૫ જૂનમાં સક્રિય થશે. જેથી દક્ષિણ, પૂર્વીય તટ ઉપરથી દેશના મધ્ય ભાગ સુધી આવવાની શક્યતાઓ રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.