શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 ડિસેમ્બર 2022 (17:53 IST)

સુરતના વરાછામાં પાલિકાએ ગેરકાયદે બાંધકામ હટાવાતાં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ ડિમોલિશન અટકાવ્યું

BJP candidate Kumar Kanani stopped the demolition
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સીમાડા નાકા ખાતે નટવર નગરમાં ડિમોલેશન કોર્પોરેશનની ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ડિમોલિશનને લઈને સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતાં કુમાર કાનાણી ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ તેમણે સૂચના આપી કે, ગેરકાયદેસર હોય તો પહેલાં નોટિસ આપો, તાત્કાલિક દૂર કરીને હેરાન કરવાની જરૂરિયાત નથી. કુમાર કાનાણીએ અધિકારીઓ પાસે સમય માગતાં ડિમોલિશન અટકાવી દેવામાં આવ્યું હતું.

નટવરનગર સોસાયટીના શરૂઆતના ભાગમાં કોમર્શિયલ અને રેસિડેન્સિયલ કેટલોક ભાગ ગેરકાયદે હોવાની વાત સામે આવી હતી. જેને લઈને કોર્પોરેશનની ટીમના અધિકારીઓ દ્વારા ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. રસ્તા નજીકની કોમર્શિયલ અને રેસિડેન્સિયલ કેટલીક મિલકતો અડચણરૂપ હોવાની ચર્ચા ચાલી રહી છે. અધિકારીઓને વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી કે, હંગામી ધોરણે ડિમોલેશનની કામગીરી સ્થગિત રાખવામાં આવે. આખરે વાત વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી સુધી પહોંચતા પોતે ત્યાં પહોંચીને લોકોને સાંભળ્યા હતા.અધિકારીઓ દ્વારા જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી હતી તે અંગે મને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી. હું ત્યાં કામગીરી કરતા અધિકારીઓને મળવા માટે પહોંચ્યો હતો. બંને પક્ષે તમામ બાબતો સાંભળ્યા બાદ અધિકારીઓને સૂચના આપી હતી કે, લોકોની વાતને પણ ધ્યાનમાં રાખવામાં આવે અને હાલના તબક્કે ડિમોલેશનની કામગીરીને બંધ કરવામાં આવે. એમને નોટિસ ફરીથી આપવામાં આવે અને જે પણ સામાન છે તે શક્ય હોય એટલો દૂર કરી દેવા માટે પણ કહેવામાં આવ્યું છે. જે મિલકત છે તે વધુ નડતરરૂપ ન હોય તો તેના માટે કોઈ રસ્તો નીકળતો હોય તે પણ કાઢવા માટે સૂચના આપવામાં આવી છે.