શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (12:35 IST)

પીએમ મોદી અન્ય રાજ્યમાં પેપરલીકની વાતો કરે છે પણ ગુજરાતમાં 24 વાર પેપર લિક થયા એનું કેમ કંઈ બોલતા નથીઃ શક્તિસિંહ ગોહિલ

Shaktisinh Gohil
Shaktisinh Gohil
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલે જણાવ્યું કે રાજ્ય સરકાર વાઇબ્રન્ટમા થયેલા કાગળ પરના એમઓયુને બદલે સાચા મૂડી રોકાણ અંગે શ્વેતપત્ર બહાર પાડે. રાજ્યમાં લાખો લોકોને રોજગાર મળવાના દાવા કર્યા હતા પરતું કેટલા લોકોને રોજગાર મળ્યો તે ભાજપ સરકાર જાહેર કરે.

ગુજરાતમાં કોગ્રેસની સરકાર હતી ત્યારે કોઇ પણ વાઇબ્રન્ટ વિના મૂડીરોકાણ માટે નંબર વન હતું. એશિયાની સૌથી મોટી બે રીફાઇનરી ગુજરાતમાં કોંગ્રેસ સરકારમાં સ્થપાઈ છે. આજે દિલ્હીમાં તમારી સરકાર છે રોડા નાખનાર કોઇ નથી ત્યારે ગુજરાત રોકાણમાં ક્યાં નંબરે છે? ગુજરાતમાં કોઇ રોકાણ કરવા આવે તો તેને કેન્દ્ર સરકાર ધમકાવતી તેવા ખોટા આક્ષેપ વડાપ્રધાને કર્યા છે. જો તેમની પાસે આધાર પુરાવા, કોઈ માહીતી હોય તો તે જણાવે અથવા કોંગ્રેસના નેતા સામે કેસ કરે. શક્તિસિંહે વધુમાં જણાવ્યું હતું કે, અડવાણી અને અરૂણ જેટલી સહિતના વિપક્ષના નેતાઓએ ક્યારેય પણ આ અંગે ગૃહમાં-સંસદમાં કઈ પણ કહ્યું નથી.

ભાજપ શાસનમાં વારંવાર પેપરલિક થાય અને વડાપ્રધાન અન્ય રાજ્યમાં પેપરલીકની વાતો કરે છે. મધ્યપ્રદેશમાં દેશનું સૌથી મોટું ‘વ્યાપમ’ કૌભાંડ થયું છે અને આખા દેશમાં સૌથી વધુ 24 વાર ગુજરાતમાં પેપર લિક થયા. ચંપાવતે તો ભાજપના નેતાના મંત્રીનું પણ નામ આપ્યું હતું ત્યારે અત્યાર સુધી કેમ કોઈ ચમરબંધી પકડાયો નથી? ગુજરાતમાં ‘વ્યાપક’ ભરતી કૌભાંડ થાય ત્યારે બીજા પર પથ્થર ફેંકતાં પહેલાં એમને પોતાની સ્થિતિ જોવી જોઈએ. ગુજરાતમાં પેપરલીકમાં ભાજપ નેતાઓ જ હોય છે એ સાબિત થયું, પેપરલીક અંગે વડાપ્રધાને ગુજરાત અને મધ્યપ્રદેશમાં પેપર માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તેમ કહેવું જોઈએ. 

શક્તિસિંહે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન પાસે તેમની જન્મ દિવસના ઉજવણીના ભાગરૂપે છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીને કારણે નર્મદા, ભરૂચ, વડોદરા સહિતના કાઠા વિસ્તારમાં માનવસર્જીત આપદા અંગે, ખેડુતો-નાગરિકોને થયેલા પારાવાર મુશ્કેલીઓ અંગે વાત કરશે તેવી અપેક્ષા હતી. પરંતુ વડાપ્રધાને માત્રને માત્ર રાજકીય અવલોકનો કર્યો પણ તે પુર અંગે એક શબ્દ ન બોલ્યા, ભાજપ સરકારે જાહેર કરેલા મશ્કરીરૂપ સહાય પેકેજ અંગે એક હરફ પણ ન ઉચ્ચાર્યો. વડાપ્રધાન પાસેથી આશા હતી કે પુરની હોનારતની તપાસ માટે સુપ્રીમ કે હાઇકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરાય પરંતુ વડાપ્રધાને આવી કોઇ જ જાહેરાત ન કરી, ગુજરાતના પ્રવાસમાં આટલો સમય આપ્યો છે તો નર્મદા અને ભરૂચના પુરગ્રસ્ત ખેડૂતો, નાગરિકોને મળે, વડાપ્રધાન જન્મ દિવસ માટે ડેમ ભરી એક સાથે લાખો ક્યુસેક પાણી છોડનાર સરકારને ફટકાર લગાવે, જેને જેટલુ નુકસાન થયુ છે તેટલી સહાયની જાહેરાત કરે તેવી અપેક્ષા હતી પરંતુ આ પ્રકારનું વડાપ્રધાને કશું જ પણ કર્યું નહીં, માત્ર ઠાલા વચનો અને સત્યથી વેગળી વાતો કરી રાજકીય અવલોકન કર્યા જે દુર્ભાગ્યપૂર્ણ છે.